તાજેતરમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં નેપાળ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને જૂનાગઢની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Viral In Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 22 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જૂનાગઢમાં વરસાદ સળગતી ચિતા/શબ પાણીમાં તણાયું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો આ વીડિયો જૂનાગઢનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર eapnepal.com દ્વારા 28 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, નેપાળના ઈલામ જિલ્લાના ફાકફોક નદી ખાતે બનેલી ઘટનાનો આ વીડિયો છે.

https://eapnepal.com/archives/1897

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. purwanchaldaily.com | mangsebungnews.com

આજ માહિતી સાથેનો વીડિયો 27 એપ્રિલ, 2020 ના રોજ Nawayuga નામના એક યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2020 માં નેપાળ ખાતે બનેલી ઘટનાનો છે. આ વીડિયોને જૂનાગઢની હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False