
Jayul Surti નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટા ભાઈ કહે છે 53 કરોડ રૂપિયા 41 કરોડ લોકોના ખાતાં માં નાખ્યાં તો દરેક ના ખાતામાં માત્ર 1.29 રૂપિયા આપ્યા સરકારે કે પછી આમાં પણ ફેકમ ફેક છે. આ પોસ્ટમાં આજ તક સમાચાર ચેનલના સ્ક્રીનશોટ સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે, “અમે 41 કરોડ લોકોના ખાતામાં 53 કરોડ રૂપિયા જમા કરાવ્યા”. આ પોસ્ટને 5 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે, “અમે 41 કરોડ લોકોના ખાતામાં 53 કરોડ રૂપિયા જમા કરાવ્યા”. એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, અમિત શાહનું આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના બીજા કાર્યકાળના એક વર્ષ પૂરા થવા અને હાલમાં ચાલી રહેલી કોરોના (COVID-19) મહામારી તેમજ તેના સંબંધમાં સરકાર દ્વારા કરવામાં વેલી કામગીરીના સંદર્ભમાં હતું.
ઇન્ટરવ્યૂ દરમિયાન, આજતક ચેનલની સંપાદક અંજના ઓમ કશ્યપે અમિત શાહને રાજ્યો પર સવાલ પૂછતાં COVID-19 મહામારી દરમિયાન પૂરતા નાણાં નહીં મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં તેમણે 53,000 કરોડનો આંકડો સીધો 41 કરોડમાં સ્થાનાંતરિત કર્યા હોવાનો હવાલો આપીને, આ ભંડોળ સીધા દેશના દરેક રાજ્યમાં ઘણા લોકોના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવ્યાં છે એવું જણાવ્યું હતું.
આ ઈન્ટરવ્યૂમાં તમે 15.50 મિનિટ પર જોઈ શકો છો કે, અંજના ઓમ કશ્યપ એમ પૂછે છે કે, પશ્ચિમ બંગાળ સરકાર, મમતા બેનર્જી કે જેમણે એવું કહ્યું કે અમને મદદ નથી મળી રહી. હવે શ્રમિક સ્પેશિયલ ટ્રેન તેના પર અમે અલગ ચર્ચા કરીશું. પરંતુ તેઓએ વારંવાર કહ્યું છે કે, તેમને કેટલી રાહત મળવી જોઈએ અથવા રાજ્યોને મળવી જોઈતી હતી. પંજાબ સરકારે પણ ફરિયાદ કરી છે. સાથે સાથે મહારાષ્ટ્ર સરકારે પણ આજ કહ્યું છે. જે મતભેદ સામે આવ્યા છે એ બાબતે આપ શું કહેશો?
ત્યારે અમિત શાહે જવાબ આપતાં જણાવ્યું હતું કે, મને નતી લાગતું કે વધુ અંતર હોય. 17000 કરોડનું ગરીબ કલ્યાણ પેકેજ અને તેના સિવાય 12000 કરોડનું એનડીઆરએફ ફંડ મોકલવામાં આવ્યું હતું. નાણાં મંત્રાલય દ્વારા પણ 22000 કરોડ મોકલવામાં આવ્યા હતા. ખૂબ જ સહાયતા કરવામાં આવી છે. પરંતુ કેન્દ્ર સરકારની કેટલીક મર્યાદાઓ હોય છે. હું તમને બતાવીશ કે, કુલ 41 કરોડ લોકોને સીધા એમના બેંક ખાતામાં 53000 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આ તમામ રાજ્યોને મોકલવામાં આવ્યા છે એવું નથી કે ફક્ત ભાજપ શાસિત રાજ્યોમાં જ. બંગાળ અને પંજાબમાં પણ એ પહોંચી ગયા છે. મહારાષ્ટ્રમાં પણ એ રૂપિયા પહોંચી ગયા છે.
આ ઇન્ટરવ્યૂમાં 14 મિનિટ અને 36 સેકન્ડ પર અમિત શાહને એવું સ્પષ્ટ કહેતા સાંભળી શકાય છે કે, તેમણે આજતક ચેનલના ન્યૂઝ ટીકરમાં બતાવ્યા પ્રમાણે 53 કરોડ રૂપિયાનો નહીં પણ 53000 કરોડ રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે.
ઉપરોક્ત સ્ક્રીનશોટના સંબંધમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, સ્ક્રીનશોટ વાયરલ થયા પછી આજતક ચેનલ દ્વારા તેના ફેસબુક પેજ પર વાયરલ ન્યૂઝ ટીકરની ભૂલ સુધારી છે. જેમાં એવું લખેલું છે કે, “એજન્ડા આજતકમાં ગૃહપ્રધાન અમિત શાહે એવું કહ્યું હતું કે, 41 કરોડ ખાતાઓમાં 53000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. પરંતુ આજતક ચેનલ દ્વારા માનવીય ભૂલને કારણે 41 કરોડ ખાતાઓમાં 53 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા એવું લખવામાં આવ્યું હતું.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચાર ચેનલના ફોટોમાં માનવીય ભૂલના કારણે 53000 કરોડની જગ્યાએ 53 કરોડ લખાઈ ગયું હતું. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, 41 કરોડ ખાતાઓમાં 53000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા સમાચાર ચેનલના ફોટોમાં માનવીય ભૂલના કારણે 53000 કરોડની જગ્યાએ 53 કરોડ લખાઈ ગયું હતું. જ્યારે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, ‘41 કરોડ ખાતાઓમાં 53000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા’.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા 53000 કરોડ રૂપિયાના નિવેદનને માત્ર 53 કરોડ રૂપિયાનું ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
