
તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના ટોળા સાથે શાંતિથી ચાલી રહેલા દીપડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ દીપડાની પજવણી પણ કરી રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તારાગઢ ગામે દેશી દારુની ભઠ્ઠીમાંથી દારુ પી જવાને કારણે દીપડાની આવી હાલત થઈ ગઈ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે,પોસ્ટમાં દીપડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં દીપડાએ દારુ નથી પીધો પરંતુ તે બીમાર હોવાને કારણે કંઈ જ કરી શકે એમ નથી. જેથી લોકો તેની સાથે ચાલી રહ્યા છે અને ફોટા પણ લઈ રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 8 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ***** આંખોદેખી ન્યૂઝ ***** તારાગઢ ગામમાં, દીપડાએ દારૂની ભઠ્ઠીમાંથી દારૂ પી લીધો, અને આશ્ચર્યજનક રીતે ભૂલી ગયો કે તે હિંસક દીપડો છે, અને લોકો તેને બકરીની જેમ ધુમાંવતા રહ્યા , વાયરલ વિડિયો આંખો દેખી ન્યુઝ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તારાગઢ ગામે દેશી દારુની ભઠ્ઠીમાંથી દારુ પી જવાને કારણે દીપડાની આવી હાલત થઈ ગઈ છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર amarujala.com દ્વારા 30 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના સોનકચ્છ ખાતે એક દીપડો જોવા મળ્યો હતો. ગ્રામજનો દ્વારા દીપડા સાથે સેલ્ફી લેવામાં આવી તેમજ તેના પર સવારી કરવામાં આવી અને વન વિભાગને આ માહિતીની જાણ થતાં જ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
આ અહેવાલમાં વનવિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, “આ દીપડાની ઉંમર બે વર્ષની છે. તેની પાચનશક્તિ ખરાબ હોવાને કારણે તે સુસ્ત થઈ ગયો હતો અને સરખી રીતે ચાલી પણ શકતો ન હતો. જેના કારણે તેણે ગ્રામજનો પર હુમલો પણ ના કર્યો પરંતુ પ્રાથમિક સારવાર આપ્યા બાદ દીપડાએ રાત્રે ભરપેટ ભોજન કર્યું હતું. આ દીપડાને થોડા દિવસો સુધી વનવિભાગ દ્વારા નિગરાનીમાં રાખવામાં આવશે ત્યાર બાદ નક્કી કરવામાં આવશે કે તેને જંગલમાં છોડવો કે પછી પાંજરામાં જ રાખવો.”
ઉપરોક્ત સમગ્ર અહેવાલમાં અમને ક્યાંય પણ એવી માહિતી જોવા મળી નહતી કે, દીપડો દેશી દારુ પી ગયો હોવાથી તેની આવી હાલત થઈ છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | indianexpress-com | hindustantimes-com
આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર TV9 Bharatvarsh દ્વારા પણ 30 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
વધુમાં અમને IBC24 દ્વારા 3 ઓગસ્ટ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વનવિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડામાં એક વાયરસ જોવા મળ્યો છે. જેના કારણે દીપડાનું બચવું ખૂબ જ મુશ્કેલ છે. એવું એક પશુ ચિકિત્સકે જણાવ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દીપડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં દીપડાએ દારુ નથી પીધો પરંતુ તે બીમાર હોવાને કારણે કંઈ જ કરી શકે એમ નથી. જેથી લોકો તેની સાથે ચાલી રહ્યા છે અને ફોટા પણ લઈ રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો લોકોના ટોળા સાથે શાંતીથી ચાલી રહેલા દીપડાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
