પત્રકારને ધમકાવી રહેલી શિક્ષિકાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પત્રકાર અને શિક્ષિકાના વાદવિવાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પત્રકારને જવાબ આપી રહેલી શિક્ષિકાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
A Z A D ツ નામના ફેસબુક પેજ દ્વારા 22 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગોદી મીડિયાની ધોલાઈ આવી શિક્ષિકાઓ જ કરી શકે હો.... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પત્રકારને જવાબ આપી રહેલી શિક્ષિકાનો આ વીડિયો વાસ્તવિક ઘટનાનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને ફાઈનલ પોસ્ટ નામની એક યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 21 સપ્ટેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
11.10 મિનિટના આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં 1.30 મિનિટ પર પત્રકાર એં બોલી રહ્યો છે કે, શિક્ષકોના સન્માન માટે તેઓએ આ વીડિયો એક નાટકના સ્વરુપમાં બનાવ્યો છે.
આ પત્રકારનું નામ શશી શેખર છે. તેઓ એવું કહી રહ્યા છે કે, તેઓએ આ પ્રકારે પહેલાં પણ ઘણા વીડિયો બનાવેલા છે. આ વીડિયો તેઓએ બિહારની એક સ્કૂલમાં બનાવ્યો છે. આ વીડિયોમાં પત્રકારનો અભિનય કરી રહેલા બંને યુવકોના નામ અનિકેત અને વ્યોમ છે.
તેઓ કહી રહ્યા છે કે, તેઓએ આ વીડિયો એવા પત્રકારો વિરુદ્ધ બનાવ્યો છે જેઓ ક્લાસમાં જાય છે અને તેમના વિદ્યાર્થીઓની સામે શિક્ષકોને અપમાનિત કરે છે જેથી તેમની ચેનલને ટીઆરપી મળે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે, તેમણે લોકોને એ કહેવા માટે આ વીડિયો બનાવ્યો છે કે, બિહારની સ્થિતિ એટલી ખરાબ નથી જેટલી કહેવામાં આવી રહી છે.
વીડિયોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, તેમાં બતાવવામાં આવેલી સ્કૂલ બિહારના મોતિહારીમાં આવેલી છે. તમે જોઈ શકો છો કે, આ આખા વીડિયોમાં તે પત્રકારોને ઠપકો આપવામાં આવી રહ્યો છે જેઓ સ્કૂલમાં જઈને શિક્ષકોને સવાલો કરે છે અને તેમને બદનામ કરે છે.
અમારી વધુ તપાસમાં ફાઈનલ પોસ્ટની ચેનલ પર સર્ચ કરતાં અમને જાણવા મળ્યું હતું કે, તેઓએ 14 સપ્ટેમ્બરે પણ આવો જ એક વીડિયો પ્રસારિત કર્યો હતો જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે બનાવવામાં આવેલો સ્ક્રીપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:પત્રકારને ધમકાવી રહેલી શિક્ષિકાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False