કોરોના વાયરસના લોકડાઉનને લઈ ICMR નામે ખોટો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus Partly False તબીબી I Medical

C.r. Paatil  નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, લોકડાઉન હોય કે ના હોય : આવનારા છ મહિના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સૂચવેલી આટલી કાળજી તો લેવી જ જોઇએ.

1. બે વર્ષ સુધી કોઇપણ વિદેશ પ્રવાસ ના કરો.
2. એક વર્ષ સુધી બહારનું કશુંપણ ના ખાવ.
3. કારણ વિનાં કોઇ લગ્ન પ્રસંગ કે સામાજિક પ્રસંગોમાં હાજરી ન આપો.
4.કારણવિના ટ્રાવેલિંગ ન કરો.
5.એક વર્ષ સુધી ક્યાંય ભીડવાળી જગ્યાઓ પર ન જાવ.
6.સોશિયલ ડિસ્ટન્સિંગને પાળો.
7.જેમને કફ હોય એવી વ્યક્તિથી દૂર રહો.
8.આવનારા એક અઠવાડિયા દરમિયાન ખૂબ કાળજી રાખો.
9.તમારી આજુબાજુ કશુંપણ ભેગું ન થવા દો.
10.માસ્ક પહેરીને રાખો, ખાસ કરીને બહાર જાવ ત્યારે.
11. વેજીટેરિયન ફૂડ ખાવાનું રાખો.
12. સિનેમાહોલ, મોલ્સમાં આવનારા છ મહિના સુધી ન જાવ, પાર્ટીઝમાં કે ક્લબની મિટીંગ્સમાં પણ ન જાવ.
13. ઇમ્યુનિટી વધે એ માટેનાં તમામ પ્રયત્નો કરો.
14. વાળ કપાવવા જાવ કે સલૂનમાં જાવ ત્યારે ખૂબ કાળજી રાખો.
15. કારણવિના કોઇને પણ મળો નહીં, સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે એ વાત ખાસ યાદ રાખો.
16. કોરોનાનો આ ભય જલ્દી ખતમ નથી થવાનો એ વાત ખાસ યાદ રાખજો.
17. બહાર જાવ ત્યારે વીટી, બેલ્ટ કે ઘડિયાળ કે અન્ય એક્સેસરીઝ ન પહેરો. ઘડિયાળ પહેરવાની જરૂર નથી. તમારો મોબાઇલ તમને સમય બતાવશે.
18. રૂમાલનો ઉપયોગ પણ ન કરો, સેનિટાઇઝર અને ટીશ્યૂ પેપર વાપરો.
19. શુઝ પહેરીને ઘરમાં દાખલ ના થાવ, એને ઘરની બહાર જ કાઢો.
20. બહારથી ઘરમાં દાખલ થાવ ત્યારે તમારા હાથ અને પગને બરાબર ધુઓ.
21. જ્યારે એવું લાગે કે કોઇ સસ્પેક્ટેડ પેશન્ટની નજીક આવ્યા છો ત્યારે બરાબર નાહી લો.

—————————-
આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસને કારણે આવનારા છ મહિના સુધી લોકડાઉન હોય કે ના હોય લોકોએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સૂચવવામાં આવેલા 21 મુદ્દાની કાળજી રાખવાની છે. આ પોસ્ટને 582 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 115 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 388 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.19-21_29_16.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કોરોના વાયરસને કારણે આવનારા છ મહિના સુધી લોકડાઉન હોય કે ના હોય લોકોએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા સૂચવવામાં આવેલા 21 મુદ્દાની કાળજી રાખવાની છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ICMR ની સત્તાવાર વેબસાઈટ icmr.gov.in પ્રાપ્ત થઈ હતી. જેના પર અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની માહિતી સર્ચ કરતાં અમને એ માહિતી ક્યાંય પણ પ્રાપ્ત થઈ ન હતી.

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ માહિતી ICMR દ્વારા બહાર પાડવામાં આવી છે કે કેમ? તે શોધવા માટે ડૉ. એલ.કે. શર્મા, મીડિયા કોઓર્ડિનેટર અને ICMRના I/C PRO સાથે આ માહિતી વિશે પૂછપરછ કરતાં તેઓએ એવો જવાબ આપ્યો હતો કે, આ સંદેશને ICMR સાથે કોઈ જ સંબંધ નથી. ICMR દ્વારા તમામ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા અને સંદેશાવ્યવહાર અમારી વેબસાઇટ અથવા અમારા ચકાસણી કરેલા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા કરવામાં આવે છે. અમે આવા સંદેશા કે માહિતી વોટ્સએપ દ્વારા મોકલતા નથી.

પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને અન્ય કેટલીક ફેક્ટ ચેકિંગ સંસ્થાઓ દ્વારા પણ ખોટી સાબિત કરવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. thequint.com | newsmeter.in | boomlive.in

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ પ્રકારની કોઈ જ માહિતી કે સંદેશ બહાર પાડવામાં આવ્યો નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ પ્રકારની કોઈ જ માહિતી કે સંદેશ બહાર પાડવામાં આવ્યો નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:કોરોના વાયરસના લોકડાઉનને લઈ ICMR નામે ખોટો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Partly False