
સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને ગ્રીસ સહિત અનેક યુરોપિયન દેશોમાં લોકો 40 ડિગ્રી તાપમાનના કારણે ગરમીનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે, પીગળેલા ટ્રાફિક સિગ્નલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “યુરોપમાં ગરમીને કારણે ટ્રાફિક સિગ્નલ પીગળી ગયા તેનો વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Jhony.it નામના ફેસબુક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દુનિયાભરમાં વાયરલ થયેલો ટ્રાફિક લાઈટ પીગળવાનો વીડિયો ભારે ગરમીના કારણે નહીં, પરંતુ તેની નીચે એક કારમાં લાગેલી આગને કારણે બન્યો હતો. ઈટાલીના વેરોનામાં બનેલી આ ઘટના પાછળ ઉનાળાનું ઊંચું તાપમાન જવાબદાર હોવાની સોશિયલ મીડિયા પર ફેલાયેલી વાર્તા તદ્દન ખોટી છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને 28 જૂન, 2026ના રોજ ઇટાલિયન વેબસાઇટ ‘ilbacodaseta’ પર પ્રકાશિત થયેલા એક અહેવાલની લિંક મળી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ લુગાગ્નાનોના મુખ્ય ચોકમાં ટ્રાફિક લાઇટનું ચિત્ર છે. ગરમીને કારણે તે ઓગળી ન હતી પરંતુ કારમાં આગ લાગી ત્યારે તેને નુકસાન થયું હતું.”
તેમજ વધુ સર્ચ કરતા અમને બીજી એક ઇટાલિયન વેબસાઇટ ‘tgverona’એ 25 જૂન, 2026ના રોજ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગરમીને કારણે ટ્રાફિક સિગ્નલ ઓગળવા અંગેનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી મજાકમાંથી ઉદ્ભવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ યુઝર ‘જોની પુટ્ટીની’ એ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. કેટલાક લોકોએ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ ઓગળવા અંગેની મજાકને વાસ્તવિકતા સમજી લીધી હતી; હકીકતમાં, સિગ્નલ ઓગળી ગયો હતો કારણ કે એક કારમાં આગ લાગી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જૂન 2026માં ઇટાલીમાં એક કારમાં આગ લાગવાથી ટ્રાફિક લાઇટને નુકસાન થયું હતું. તે ઘટનાના એક વીડિયોને ગરમીથી થતા નુકસાન સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો.


