
પંજાબમાં 2027 ની વિધાનસભા ચૂંટણી પહેલા, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં પોલીસ કર્મચારીઓ લોકોના ટોળામાંથી એક નગ્ન વ્યક્તિને બચાવતા જોઈ શકાય છે. આ વીડિયો શેર કરીની દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પંજાબમાં લોકોએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરૂણ નારંગને માર માર્યો હતો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 28 માર્ચ 2021ના રોજ ‘ન્યૂઝ18 પંજાબ’ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પંજાબના માલૌતમાં લોકોએ ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર હુમલો કર્યો અને તેમના કપડાં ફાડી નાખ્યા. અબોહરના ધારાસભ્ય અરૂણ નારંગ ‘કેપ્ટન સરકાર’ની ટીકા કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોએ સ્થળ પર ધસી આવ્યા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને એબીપી લાઈવ વેબસાઇટ પર 28 માર્ચ 2021ના પ્રકાશિત થયેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પંજાબના મુક્તસર જિલ્લાના માલૌત શહેરમાં ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ પર કથિત રીતે હુમલો કર્યો, તેમના કપડાં ફાડી નાખ્યા અને તેમના પર કાળી શાહી ફેંકી. આ ઘટના ત્યારે બની જ્યારે નારંગ મુક્તસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો.”

તેમજ વધુ સર્ચ કરતા અમને દૈનિક ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પૂર્વ ધારાસભ્ય અરૂણ નારંગ આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. તેમણે 2022ની વિધાનસભા ચૂંટણી ભાજપની ટિકિટ પર લડી હતી, જેમાં તેમનો પરાજય થયો હતો.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અરૂણ નારંગ પર થયેલા હુમલાને દર્શાવતો આ વીડિયો માર્ચ 2021નો છે. તેઓ સપ્ટેમ્બર 2023માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ વીડિયો ભ્રામક દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.


