
હાલ સોશિયલ મીડિયામાં એક વાર્તા સાથે બે ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ પોસ્ટને શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “હરિયાણામાં એક 12 વર્ષના છોકરાએ તેની બહેન પર થયેલા બળાત્કારનો બદલો લેવા માટે ગામના સરપંચના દીકરાને ગોળી મારીને મારી નાખ્યો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પહેલા વિવિધ કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ સર્ચ કર્યું. અમને કોઈ વિશ્વસનીય વેબસાઇટ પર આવા કોઈ સમાચાર મળ્યા ન હતા.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે હરિયાણાના ડીજીપી અજય સિંઘલના પીએનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારની કોઈ ઘટના હાલમાં હરિયાણામાં બનવા પામી નથી. લોકોમાં ભ્રામકતા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજને લોકોને શેર ન કરવા વિંનતી છે.
ત્યારબાદ અમે પહેલી તસ્વીર જે છોકરીની છે તેને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે, આ તસ્વીર AI દ્વારા બનાવવામાં આવી હતી. જેને સત્યતા સાથે કોઈ લેવા-દેવા નથી.
ત્યારબાદ અમે બીજી તસ્વીરને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ જીઓ ટીવીએ 8 ડિસેમ્બર, 2017ના રોજ અહેવાલ આપ્યો હતો કે ભારતમાં અટકાયતમાં રાખેલા 15 વર્ષના છોકરા, જે બહેરા અને મૂંગો છે, તેની નાગરિકતા પાકિસ્તાની હોવાની પુષ્ટિ થઈ છે. પંજાબ રેન્જર્સની એક ટીમે તેના ઘરની મુલાકાત લીધી હતી અને તેની નાગરિકતાની ચકાસણી કરી હતી. છોકરાને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવા માટે પાકિસ્તાન હાઈ કમિશન ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેની 17 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ વધુ સર્ચ કરતા અમને ડિસેમ્બર 2017ના હિન્દુસ્તાન ટાઇમ્સ અને ઇન્ડિયન એક્સપ્રેસ વેબસાઇટ પરના અહેવાલો અનુસાર, “મે મહિનામાં મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં ઘૂસેલા 12 વર્ષના દિવ્યાંગ પાકિસ્તાની છોકરાને મંગળવારે ફિરોઝપુરના કિશોર ન્યાય બોર્ડ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. અધિકારીઓએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી અને કહ્યું કે ફરીદકોટમાં બાળ ગૃહમાં રહેતા છોકરાને દેશનિકાલ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશને પણ વિદેશ મંત્રાલયને પત્ર લખીને તેની મુક્તિની વિનંતી કરી છે. છોકરાની ઓળખ લાહોરના રહેવાસી તરીકે કરવામાં આવી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી વાર્તા મનઘડત છે. આ પ્રકારની કોઈ ઘટના હરિયાણામાં બનવા પામી નથી. તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા બંને ફોટો પણ જૂના અને અસંબંધિત છે.
Title:હરિયાણામાં બહેનના બળાત્કારનો બદલો લેવાની વાયરલ વાર્તા બનાવટી, જાણો શું છે સત્ય…
Fact Check By: FRANY KARIAResult: Misleading


