
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને ઢોર માર મારી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યો છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકને ઢોર માર મારી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવી રહ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ બિહારના પટનાના ધનરુઆ વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Genesis news નામના ફેસબુક પેજ દ્વારા 04 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ બહાદુર શિક્ષક ને સરકાર તરફથી કંઈક દંડ, શિક્ષા મળે એમાં મદદ કરો. આ વીડિયો આગળ ફોરવર્ડ કરશો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં એક શિક્ષક બાળકને ઢોર માર મારી રહ્યો છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને abplive.com નામની વેબસાઇટ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 6 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ‘બિહારના પટનાના ધનરુઆ ખાતેના એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક દ્વારા 5 વર્ષના બાળકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં બાળક બેહોશ થઈ જતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ત્યાંના સ્થાનિક લોકોએ તરત જ શિક્ષકને પકડી લીધો હતો અને માર પણ માર્યો હતો. વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે, આ શિક્ષકનું નામ છોટુ છે તેમજ તે કોચિંગ સેન્ટરનો માલિક છે અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે.’

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. aajtak.in | ndtv.in
અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત માહિતી અને વીડિયો સાથેના સમાચાર Republic World દ્વારા પણ 6 જુલાઈ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાળકને ઢોર માર મારી રહેલા યુવકનો જે વીડિયો મૂકવામાં આવી રહ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ બિહારના પટનાના ધનરુઆ વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર ગુજરાતમાં શિક્ષકે બાળકને ઢોર માર માર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
