
તાજેતરમાં સોશિયલ મીડિયા પર રડી રહિલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રડી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે બનેલી ગોળીબારની ઘટનાનો છે. રડી રહેલી મહિલા ત્યાંની સ્થાનિક રહેવાસી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Pradip Bhadja નામના ફેસબુક યુઝર દ્વારા 26 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, યાસીન મલિક નું બયરૂ લ્યા …. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો SR Videos દ્વારા 26 મે, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે બનેલી ઘટનાનો છે.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ઉપરોક્ત માહિતી સાથે PTI Islamabad અને ISF Karachi Official દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત તમામ વીડિયોમાં ક્યાંય પણ આ વીડિયોમાં રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની હોવાનું લખવામાં આવ્યું નથી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ફેક્ટ ક્રેસેન્ડોએ પાકિસ્તાનમાં જંગ મીડિયાના રિપોર્ટર “તૌસીફ”નો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો તાજેતરના પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી)ની લોંગ માર્ચનો છે જ્યાં વર્તમાન સરકારે વિરોધ કરી રહેલા લોકો પર બળપ્રયોગ કર્યો છે. આ ઈસ્લામાબાદના ડી-ચોકનો વીડિયો છે જ્યાં પોલીસે લોકો પર ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રાહ જોઈને લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. પોલીસે ત્યાં એકઠી થયેલી ભીડને હટાવવા માટે લગભગ આખી રાત ગોળીબાર કર્યો હતો. વીડિયોમાં દેખાતી મહિલા વિરોધ કરી રહેલા લોકોમાંથી એક છે. તેને યાસીન મલિક સાથે કોઈ સંબંધ નથી.”
અમે તૌસીફને પાકિસ્તાનમાં આ લોંગ માર્ચ વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “ઈમરાન ખાને દેશમાં લોંગ માર્ચની જાહેરાત કરી હતી. જે 25 મેથી શરૂ થઈ છે. જેના કારણે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઈસ્લામાબાદના ડી-ચોક પર એકઠા થયા હતા. ત્યાં તેઓ ઈમરાન ખાનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ સરકારે સમગ્ર વિસ્તારને બેરિકેડ કરી દીધો અને વિરોધીઓ સાથે ઘર્ષણ થયું. તેઓએ ભીડને વિખેરવા માટે લાઠીઓ, રબરની ગોળીઓ અને આંસુ ગેસનો ઉપયોગ કર્યો.”
વધુમાં આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને વર્તમાન વડાપ્રધાન શબાઝ શરીફની સરકાર વિરુદ્ધ આ માર્ચની જાહેરાત કરી છે. એપ્રિલમાં ઈમરાન ખાનને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા વડાપ્રધાન પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. જેને તેમણે કાવતરું ગણાવ્યું હતું. આથી તેઓ વર્તમાન સરકારને બરખાસ્ત કરીને ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રડી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે બનેલી ગોળીબારની ઘટનાનો છે. રડી રહેલી મહિલા ત્યાંની સ્થાનિક રહેવાસી છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં રડી રહેલી મહિલા યાસીન મલિકની પત્ની છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
