
તાજેતરમાં સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટરમાંથી લેવાયેલો પર્વતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કૈલાશ પર્વતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કૈલાશ પર્વતનો નહીં પરંતુ તાન્જાનિયા સ્થિત કિલીમાંજારો પર્વતનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dilipbhai M Dabhi નામના ફેસબુક યુઝર દ્વારા 28 જુલાઈ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સાથે એવું લખવામાં આવ્યું છે કે, કલાશ પર્વત ના પહેલી વાર દર્શન થયા છે તો પ્રમ છે બોલો હરહર મહાદેવ ૐ નમઃ શિવાય જય બરફાનિ બાબા. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો કૈલાશ પર્વતનો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને dennissderick નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 4 સપ્ટેમ્બર, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ‘કિલીમાંજારોની એક અવિસ્મરણીય પળ, તાન્જાસફારી.’ જેના પરતી એ સ્પષ્ટ કહી શકાય કે, આ વીડિયો કિલીમાંજારો પર્વતનો છે.
અમારી વધુ તપાસમાં અમે ગુગલનો સહારો લઈને કિલીમાંજારો પર્વત વિશે સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કિલીમાંજારો પર્વત તાન્જાનિયાનો એક શાંત જ્વાળામુખી છે. આ આફ્રિકાનો સૌથી ઉંચો પર્વત છે. આ પર્વત વિશ્વનો સૌથી ઉંચો એકમાત્ર ફ્રી સ્ટેન્ડિંગ પર્વત છે. અન્ય કેટલાક કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ વીડિયો યુટ્યુબ પર પણ પ્રાપ્ત થયો હતો. નીચે તમે વાયરલ વીડિયોમાંથી લીધેલા ફોટો અને યુટ્યુબ પરના વીડિયોના ફોટો વચ્ચેની સમાનતા જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો Daily News Digital નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 23 જુલાઈ, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ‘પાયલોટ કિલીમંજારો પર્વતની આસપાસ 360 ડિગ્રી ફેરવે છે.’ આજ વીડિયોના વિવરણમાં એવું લખવામાં આવ્યું છે કે, “પ્રેસિજન એર પાયલોટ રેમતુલ્લાહ રિઝવાને કિલીમાંજારો પર્વતની ચારેબાજુ 360 ડિગ્રીમાં વળાંક લીધો. એકદમ સ્પષ્ટ દિવસે પર્વતારોહિઓને ખાડા, ઢોળાવ અને બર્ફ ઉપર ચડતા જોઈ શકાય છે.”
વધુમાં અમે iStock નામની વેબસાઈટ પર કિલીમાંજારો પર્વતનો એક ફોટો પ્રાપ્ત થયો હતો. આ ફોટોમાં પહાડની ટોચને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ ફોટો 2009 માં લેવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કૈલાશ પર્વતનો નહીં પરંતુ તાન્જાનિયા સ્થિત કિલીમાંજારો પર્વતનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કૈલાશ પર્વતનો છે…?
Fact Check By: Vikas VyasResult: False
