
2 મિનિટ 2 સેકંડનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં એક વ્યક્તિ રિલાયન્સ કંપનીનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યો છે. વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ લોકોને કહી રહી છે કે, ‘આપણા બધા પાસે રિલાયન્સ અને જિઓ ફોન્સને કોઈ બીજી કંપનીમાં બદલવા જોઈએ. તમારે લોકોએ રિલાયન્સ અને જિઓ સિવાય આઇડિયા, એરટેલ અને વોડાફોનનું નેટવર્ક લેવું જોઈએ. રિલાયન્સના બધા પેટ્રોલ પમ્પ અહીં છે, તમે લોકો તેમની પાસેથી પેટ્રોલ લેવાનું બંધ કરો.
વિડિયોમાં જોવામાં આવેલ વ્યક્તિ લોકોને એક બીજી અપીલ કરે છે કે, “તમે બધા લોકો બાબા રામદેવની કંપની ‘પતંજલિ’નો માલ લેવાનું બંધ કરો. કારણ કે રામદેવના મોટાભાગના પૈસા આરએસએસ માટે શસ્ત્રો ખરીદવાનું કામ કરે છે.”
આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિડિયોમાં ભાષણ આપી રહેલ વ્યક્તિ હિમાલય કંપનીનો માલિક છે. બધા લોકો હિમાલય કંપનીનો સામાન ખરીદવાનું બંધ કરો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ હિમાલયા કંપનીના માલિક નહિં પરંતુ સુપ્રિમ કોર્ટના વકિલ ભાનુ પ્રતાપસિંહ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Arvind Mandalia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં ભાષણ આપી રહેલ વ્યક્તિ હિમાલય કંપનીનો માલિક છે. બધા લોકો હિમાલય કંપનીનો સામાન ખરીદવાનું બંધ કરો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વાયરલ વિડિયોનું કાળજીપૂર્વક નિરિક્ષણ કરતા વિડિયોમાં અમને જમણી બાજુએ “Times Express Voice of Democracy” લખેલું જોવા મળે છે.

અમુક કીવર્ડની મદદથી અમને ટાઇમ્સ એક્સપ્રેસની ઓફિશિયલ ચેનલ પર 25 જાન્યુઆરી, 2020ના રોજ અપલોડ કરેલો એક વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડિયો જોવા સમાન છે. યુટ્યુબ વિડિયોમાં માહિતી આપવામાં આવી હતી કે, વિડિયોમાં ભાષણ આપનાર વ્યક્તિ દેશના જાણીતા વકીલ ભારતના સુપ્રિમ કોર્ટના વકિલ ભાનુ પ્રતાપ સિંઘ છે. હકીકતમાં, સીએએ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ, ભાનુ પ્રતાપસિંહ ધરણા પર બેઠેલા લોકોને સંબોધન કરવા માટે દિલ્હીના મુસ્તફાબાદ પહોંચ્યા હતા. આ વિડિયો તે સમયનો છે.
તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ વિડિયો ક્લિપ ટાંકીને 29 જાન્યુઆરી, 2020ના રોજ પ્રકાશિત થયેલા ઘણા સમાચાર અહેવાલો મળ્યા હતા. આ અહેવાલો મુજબ, એડવોકેટ ભાનુ પ્રતાપસિંહે દ્વારા દિલ્હીના મુસ્તાફાબાદમાં સીએએ વિરોધી વિરોધ પ્રદર્શન દરમિયાન આપેલા ભાષણમાં બાબા રામદેવ વિરુદ્ધ “આર્થિક જેહાદ” કરવાની હાકલ કરી હતી.
મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની હિમાલયની વેબસાઇટ શોધીને, અમને જાણવા મળ્યું કે તેના સ્થાપક માલિક મોહમ્મદ મનાલનું 1986માં અવસાન થયું હતું. હિમાલયના હાલના ટોચના મેનેજમેન્ટમાંથી કોઈ પણ સભ્ય વાયરલ વિડિયોમાં જોવા મળતા માણસ જેવું નથી.
તેમજ થોડો સમય પહેલા પણ અન્ય એક વિડિયો હિમાલયા કંપનીના માલિકના નામે વાયરલ થયો હતો. જેનું પણ ફેક્ટ ચેક ગુજરાતીની ફેક્ટ ક્રેસન્ડો ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ હિમાલયા કંપનીના માલિક નહિં પરંતુ સુપ્રિમ કોર્ટના વકિલ ભાનુ પ્રતાપસિંહ છે.
