
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ તઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરનો આ ફોટો છે જે તાજેતરમાં ભાજપમાં જોડાયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર નહીં પરંતુ રામભક્ત ગોપાલ છે જેણે CAA વિરોધ પ્રદર્શન સમયે જામિયા મિલિયા યુનિવર્સિટીની બહાર ફાયરિંગ કર્યું હતું. જો કે, કપિલ ગુર્જર ભાજપમાં સામેલ થયો હતો પરંતુ તેની જાણ ભાજપને થતાં તરત જ એનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Satishsinh Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 30 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શાહીનબાગ આંદોલન વખતે બંદુકથી ફાયરીંગ કરનાર કપિલ ગુર્જર ભાજપમાં જોડાયો…ચડ્ડીગેન્ગ વાળા ઓ એ કશું કહેવુ છે. ભક્તો. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરનો આ ફોટો છે જે તાજેતરમાં ભાજપમાં જોડાયા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર ભાજપમાં જોડાયો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને દિલ્હી ભાજપના સોશિયલ મીડિયા આઈટી સેલના વડા Punit Agarwal દ્વારા 30 ડિસેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી ગાઝિયાબાદના અધ્યક્ષ સંજીવ શર્માના લેટરપેડ પરના લખાણમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 30 ડિસેમ્બર, 2020 ના રોજ બસપામાંથી આવેલા કેટલાક યુવકોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. જેમાં શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર પણ સામેલ હતો. જેની જાણ ભાજપને નહતી. પરંતુ આ ઘટનાની જાણ થવાની સાથે જ કપિલ ગુર્જરને ભાજપમાંથી નીકાળી દેવામાં આવ્યો હતો.
આજ માહિતી સાથેની ટ્વિટ ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તેમજ વિધાન પરિષદના સદસ્ય Swatantra Dev Singh અને ANI દ્વારા પણ આપવામાં આવી હતી.
અમારી વધુ તપાસમાં અમને zeenews.india.com દ્વારા 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કપિલ ગુર્જર દ્વારા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં શાહીનબાગ ખાતે ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે તરત જ કપિલ ગુર્જરને પકડી લીધો હતો.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા જ ફોટો સાથે vtvgujarati.com દ્વારા 30 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હીની જામિયા મિલિયા યુનિવર્સિટી બહાર નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન રામભક્ત ગોપાલ નામના યુવકે ફાયરિંગ કર્યું હતું. જે ગ્રેટર નોયડાના જેવરનો રહેવાસી છે.
આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ndtv.com | gujaratexclusive.in
નીચે તમે કપિલ ગુર્જર અને રામભક્ત ગોપાલના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કપિલ ગુર્જરનો નહીં પરંતુ રામભક્ત ગોપાલનો છે. તેમજ કપિલ ગુર્જરને ભાજપમાં સામેલ થયા બાદ તરત જ બહાર નીકાળી દેવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં શાહીનબાગ આંદોલન સમયે ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર નહીં પરંતુ રામભક્ત ગોપાલ છે જેણે CAA વિરોધ પ્રદર્શન સમયે જામિયા મિલિયા યુનિવર્સિટીની બહાર ફાયરિંગ કર્યું હતું. જો કે, કપિલ ગુર્જર ભાજપમાં સામેલ થયો હતો પરંતુ તેની જાણ ભાજપને થતાં તરત જ એનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

Title:શાહીનબાગ આંદોલનમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જરના નામે રામ ભક્ત ગોપાલનો ફોટો વાયરલ…
Fact Check By: Vikas VyasResult: Partly False
