
તાજેતરમાં સોશિયલ મીડિયા એક માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી વધુ ભણેલા નેતાઓની યાદીમાં રાહુલ ગાંધીને 7 મું સ્થાન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ફોર્બ્સ દ્વારા આ પ્રકારની કોઈ જ યાદી બહાર પાડવામાં નથી આવી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Bhupesh Soni નામના ફેસબુક યુઝર દ્વારા 13 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી વધુ ભણેલા નેતાઓની યાદીમાં રાહુલ ગાંધીને 7 મું સ્થાન આપવામાં આવ્યું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ફોર્બ્સ દ્વારા આ પ્રકારે વિશ્વના શિક્ષિત નેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે કે કેમ? એ તપાસ કરી. પરંતુ અમને ફોર્બ્સની વેબસાઈટ પર આ પ્રકારની કોઈ જ યાદી જોવા મળી નહતી. ફોર્બ્સ ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ પ્રકારની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને ગુગલ પર જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને u2b.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં વિશ્વના નેતાઓના શિક્ષણ વિશેની માહિતી આપવામાં આવી હતી. કુલ છ સદસ્યોની આ યાદીમાં જર્મન ચાન્સેલર એંજેલા માર્કેલ વર્તમાનમાં સૌથી શિક્ષિત નેતા છે. તેઓએ જર્મન એકેડેમી ઓફ સાયન્સિઝથી ક્વાંટમ કેમેસ્ટ્રીમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
Wisestep વેબસાઈટના આધારે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દુનિયાના 9મા સૌથી શિક્ષિત નેતા છે.
ઉપરોક્ત બંને યાદીમાં રાહુલ ગાંધીનું નામ ક્યાંય પણ જોવા મળતું નથી.
હવે એ પણ જાણવું જરૂરી હતું કે, રાહુલ ગાંધીનું શિક્ષણ કેટલું છે?
2019 ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી દ્વારા તેમના આવેદનપત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમફીલની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ફોર્બ્સ દ્વારા આ પ્રકારની કોઈ જ યાદી બહાર પાડવામાં નથી આવી. તેમજ અન્ય સંસ્થાઓની વિશ્વના સૌથી શિક્ષિત નેતાઓની યાદીમાં પણ રાહુલ ગાંધીનું નામ ક્યાંય જોવા મળ્યું નહતું.

Title:શું ખરેખર ફોર્બ્સ દ્વારા રાહુલ ગાંધીને ભણેલા નેતાઓની યાદીમાં 7મું સ્થાન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
