વાયરલ થઈ રહેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013માં થયેલા વિરોધ દરમિયાનનો છે. હાલમાં પેટ્રોલના ભાવ વધારા સાથે કોઈ લેવા-દેવા નથી.

ભારતના પાડોશી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં જંગી વધારો જોવા મળ્યો છે. જેના પરિણામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં હિંસક પ્રદર્શનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શન દરમિયાનનો આ વિડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sampurna Samachar Seva નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક પ્રદર્શન દરમિયાનનો આ વિડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
આ વિડિયોને મિડિયા હાઉસ દ્વારા પણ સત્ય માની અને શેર કરવામાં આવી રહ્યો છે.

Zee24kalak | Archive | Article Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતલા/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ચેનલ 4 ન્યુઝ નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ વિડિયોના દ્રશ્યો જોવા મળે છે આ સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ પોલીસ સાથે ઇશનિંદા વિરોધી કાયદાની માંગણી સાથે ભીષણ લડાઇમાં રોકાયેલા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ધ ન્યુ યોર્ક ટાઈમ્સ દ્વારા 6 મે 2013ના પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં માહિતીમાં આપવામાં આવી હતી કે, 5 મે, 2013ના રોજ રાજધાની ઢાકામાં અથડામણ થઈ હતી. જેના કારણે ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા હતા. ત્રણ સુરક્ષા અધિકારીઓને માર મારવામાં આવ્યા હતા જ્યારે પોલીસ દ્વારા ગોળી મારવામાં આવેલા દેખાવકારો સહિત એક ડઝન અન્ય લોકો પણ માર્યા ગયા હતા.
તેમજ સીએનએન દ્વારા પ્રસારિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, હેફાઝત-એ-ઈસ્લામ નામના ઈસ્લામિક સંગઠનના કાર્યકરોએ ઢાકા તરફ જતા લગભગ તમામ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા, જેમાં ઈશનિંદા વિરોધી કાનૂન સહિતની માંગણીઓની યાદી દબાવી હતી.
તેમજ વાયરલ વિડિયો 6 મે, 2013ના રોજ ધ ટેલિગ્રાફની ઓફિશિયલ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેના પરથી સાબિત થાય છે કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ લગભગ નવ વર્ષ જૂનો વર્ષ 2013નો છે.
તો બાંગ્લાદેશમાં શું ચાલી રહ્યુ છે.?
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારે ઈંધણના ભાવમાં 51.7% જેટલો વધારો કર્યા બાદ ભારે વિરોધ થયો, જે તેની આઝાદી પછી સૌથી વધુ છે. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના કેટલાક શહેરોમાં શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને હસીના સરકાર સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેઓ ઇંધણના ભાવમાં અભૂતપૂર્વ વધારો પાછો ખેંચવાની માંગ કરે છે. દરમિયાન, બાંગ્લાદેશ સરકારે ઇંધણના વધારા માટે ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને જવાબદાર ઠેરવ્યું છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બાંગ્લાદેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે ચાલી રહ્યા વિરોધનો નહિં પરંતુ આ વિડિયો 5 મે 2013નો છે. જે ઢાકા નજીક ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા ઈશનિંદા વિરોધી કાયદાની માંગણીનો વિરોધ કરી રહ્યા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વર્ષ 2013 બાંગ્લાદેશના તોફાનના વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: Partly False
