
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મીડિયાકર્મીઓ સામે સલમાન ખાનની પ્રશંસા કરી રહેલા રાજપાલ યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેલમાંથી બહાર આવતાં જ રાજપાલ યાદવ ભાવુક થયા અને સલમાન ખાનની પ્રશંસા કરી પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મીડિયાકર્મીઓ સામે સલમાન ખાનની પ્રશંસા કરી રહેલા રાજપાલ યાદવનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. એ સમયે રાજપાલ યાદવે સલમાન ખાન જેલમાંથી બહાર આવ્યો ત્યારે પ્રતિક્રિયા આપી હતી.આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જેલમાંથી બહાર આવતા જ ભાવુક થયા રાજપાલ યાદવ | NagarNaadNews બોલીવુડના જાણીતા હાસ્ય કલાકાર રાજપાલ યાદવને તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બાકી રહેલું દેવું ચુકવાયા બાદ તેમને છોડવામાં આવ્યા. આ નાણાકીય સહાય સલમાન ખાન, અજય દેવગણ અને સોનુ સૂદ તરફથી મળ્યાની ચર્ચા છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેલમાંથી બહાર આવતાં જ રાજપાલ યાદવ ભાવુક થયા અને સલમાન ખાનની પ્રશંસા કરી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા રાજપાલ યાદવના આ જ નિવેદન સાથેનો વીડિયો મૂવીઝ અડ્ડાની યુટ્યુબ ચેનલ પર 9 એપ્રિલ, 2018ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018નો છે.

આ વીડિયોમાં રિપોર્ટર રાજપાલ યાદવને સલમાન ખાનના જેલમાંથી જામીન વિશે પ્રશ્ન પૂછે છે. ત્યારબાદ રાજપાલ યાદવ સલમાન ખાન અને તેણે અભિનય કરેલી ફિલ્મોની પ્રશંસા કરે છે. વીડિયોના વર્ણનમાં લખ્યું છે, “કાળિયાર હરણના શિકાર કેસમાં સલમાન ખાનના જામીન પર રાજપાલ યાદવે ચોંકાવનારી પ્રતિક્રિયા આપી છે.” નોંધનીય છે કે, વાયરલ વીડિયોમાં રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલા સલમાન ખાન વિશેના પ્રશ્નને કટ કરવામાં આવ્યો છે.
અમને ‘Viral Bollywood‘ ના યુટ્યુબ એકાઉન્ટ પર પણ વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 8 એપ્રિલ, 2018ના રોજ ત્યાં શેર કરવામાં આવ્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર, કાળા હરણ શિકાર કેસમાં સલમાન ખાનના જામીન પર રાજપાલ યાદવની આ પ્રતિક્રિયા છે.
સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો રાજપાલના જામીન સાથે સંબંધિત નથી, પરંતુ 8 વર્ષ પહેલાં જેલમાંથી સલમાન ખાનને મળેલા જામીન સાથે સંબંધિત છે.
વધુ તપાસ કરતાં અમને ‘MF News‘ ની યુટ્યુબ ચેનલ પર વાયરલ થયેલો વીડિયો મળ્યો. 9 એપ્રિલ, 2018ના રોજ અપલોડ કરાયેલો આ વીડિયો કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જામીન મળ્યા બાદ રાજપાલ યાદવે આપેલા નિવેદનનો દાવો કરે છે.
પછી રિપોર્ટર તેમને પૂછે છે કે, “ઘણા સમયથી ટેન્શન હતું, પણ હવે થોડી રાહત મળી છે. તમને કેવું લાગે છે?” રાજપાલ યાદવ જવાબ આપે છે, “હું ખરેખર રાહત અનુભવી રહ્યો છું અને તેને શુભકામનાઓ પાઠવું છું.”
બોલીવુડ લેટેસ્ટની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરાયેલા આ વીડિયોમાં, સલમાન ખાનના જામીન પર પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, રાજપાલ કહે છે, “હું કહી શકું છું કે, સલમાન ભાઈ એક મોટા ભાઈ જેવા છે અને સલમાન ભાઈ આજે ઘરે તેમની સાથે બેસીને ખૂબ ખુશ થશે.”
ફિલ્મ ઉદ્યોગમાં સલમાન ભાઈ જેવા લોકો બહુ ઓછા છે, તેઓ હંમેશા લોકોને મદદ કરવા માટે તૈયાર રહે છે. મેં સલમાન ભાઈ સાથે 20 વર્ષ કામ કર્યું છે, સતત 10-12 ફિલ્મોમાં કામ કર્યું છે, અને આપણા ઉદ્યોગમાં તેમના જેવા લોકો ઓછા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મીડિયાકર્મીઓ સામે સલમાન ખાનની પ્રશંસા કરી રહેલા રાજપાલ યાદવનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2018નો છે. એ સમયે રાજપાલ યાદવે સલમાન ખાન જેલમાંથી બહાર આવ્યો ત્યારે પ્રતિક્રિયા આપી હતી.આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો મીડિયાકર્મીઓ સામે સલમાન ખાનની પ્રશંસા કરી રહેલા રાજપાલ યાદવના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading


