જાણો ફ્રાન્સમાં ઈમેન્યુઅલ મેક્રોને મોદીને નજર અંદાજ કર્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોને AI સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નજર અંદાજ કર્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસ્તવમાં ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન મોદી સાથે ઘણી વાર મુલાકાત અને વાતચીત કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ED સન્યાલે … વિશ્વગુરુ જોડે હાથ મિલાવવાનું યોગ્ય ના સમજ્યા…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોને AI સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નજર અંદાજ કર્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને કેટલાક મીડિયા અહેવાલો મળ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન ફ્રાન્સ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ‘AI એક્શન સમિટ’ની સહ અધ્યક્ષતા કરી. આ દરમિયાન પીએમ મોદી અને મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી. આ સંદર્ભમાં અમર ઉજાલા દ્વારા પ્રકાશિત અહેવાલ પર નજર કરીએ તો જાણવા મળે છે કે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પેરિસમાં AI સમિટની સહ અધ્યક્ષતા માટે ગળે મળીને તેમનું સ્વાગત કર્યું અને પીએમ મોદીને તેમના મિત્ર કહ્યા. રિપોર્ટમાં બંને નેતાઓની કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે, જેમાં બંને એકબીજાને ગળે લગાવતા અને એકબીજાને ઉષ્માપૂર્વક મળતા જોવા મળે છે. 

અમને એશિયાનેટની વેબસાઈટ પર આ જ માહિતી સાથે પ્રકાશિત એક અહેવાલ પણ મળ્યો. રિપોર્ટમાં પ્રકાશિત તસવીરો જોઈને સમજી શકાય છે કે, ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને તેમને ખાસ સમય અને સંપૂર્ણ સન્માન આપ્યું હતું.

ફ્રાન્સમાં 11 ફેબ્રુઆરી, 2025ના રોજ આયોજિત AI કોન્ફરન્સ સંબંધિત તસવીરો ન્યૂઝ એજન્સી ANIના X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવી છે. બંને નેતાઓ વચ્ચેની નિકટતા આ તસવીરોમાં દેખાઈ રહી છે.

થોડી વધુ શોધ કર્યા પછી, અમને મેક્રોનના અધિકૃત X એકાઉન્ટ પર શેર કરેલ એક વીડિયો મળ્યો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, PM મોદીનું પેરિસ પહોંચતા જ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Embed –

ત્યારબાદ અમને પીએમ મોદીના સત્તાવાર એક્સ હેન્ડલને ટાંકતી એક પોસ્ટ મળી. જેમાં પીએમ મોદીએ તેમની ફ્રાંસ મુલાકાતના સમાપનની તસવીરો શેર કરી છે, જેમાં મેક્રોન એરપોર્ટ પર પીએમ મોદીને વિદાય આપતા જોઈ શકાય છે.

11 ફેબ્રુઆરી, 2025 ના રોજ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પેરિસમાં આયોજિત AI એક્શન સમિટના સહ-અધ્યક્ષ હતા.

રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમિટના સહ-અધ્યક્ષ તરીકે ઉદ્ઘાટન ભાષણ આપવા આમંત્રણ આપ્યું હતું. પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, વિશ્વ એઆઈ યુગની શરૂઆતમાં છે, જ્યાં આ ટેકનોલોજી ઝડપથી માનવતા માટે કોડ લખી રહી છે અને આપણી રાજનીતિ, અર્થતંત્ર, સુરક્ષા અને સમાજને ફરીથી આકાર આપી રહી છે. તપાસ દરમિયાન, અમને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એપીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ કોન્ફરન્સનો સંપૂર્ણ વીડિયો મળ્યો. અહીં અમે જોયું (8.47 મિનિટે) કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કોન્ફરન્સમાં મેક્રોન સાથે આવે છે. આ પછી તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિત અન્ય નેતાઓને મળે છે અને અંતે પીએમ મોદીની બાજુમાં બેસે છે.

વીડિયોમાં આગળ બતાવવામાં આવ્યું છે કે, 14.22 મિનિટે ઈવેન્ટને સંબોધિત કરતી વખતે મેક્રોન પીએમ મોદીને સ્ટેજ પર (17.15 મિનિટે) આમંત્રણ આપે છે અને બંને ફરી એકવાર એકબીજાને ગળે લગાવે છે.

મુલાકાત દરમિયાન, મેક્રોને એલિસી પેલેસમાં આયોજિત રાત્રિભોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું અને બંને લાંબા સમય સુધી એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા.

અમને આ કાર્યક્રમનો સંપૂર્ણ વીડિયો ધ ડેઈલી ગાર્ડિયનની યુટ્યુબ ચેનલ પર મળ્યો છે. 3 કલાક 8 મિનિટ 47 સેકન્ડના આ લાઈવ સ્ટ્રીમ વીડિયોમાં (43 મિનિટ 18 સેકન્ડ) થી (54 મિનિટ 13) સુધીનો ભાગ જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે, વાસ્તવમાં, વાયરલ થઈ રહેલો વીડિયો એક ટૂંકી ક્લિપનો ભાગ છે જે તેના મૂળ સંદર્ભની બહાર શેર કરવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના વીડીયો અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફ્રાન્સના વડાપ્રધાન ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસ્તવમાં ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન મોદી સાથે ઘણી વાર મુલાકાત અને વાતચીત કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો ફ્રાન્સમાં ઈમેન્યુઅલ મેક્રોને મોદીને નજર અંદાજ કર્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Misleading