
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખાડાવાળા રસ્તા પર જઈ રહેલા વાહનોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડાવાળા રસ્તાનો આ વીડિયો ભારતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડાવાળા રસ્તા પર જઈ રહેલા વાહનોનો એક વીડિયો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ ચીનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 27 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભાઈ બધી જગ્યાએ આવી જ હાલત છે કોનાં વખાણ કરવા ભાઈ. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખાડાવાળા રસ્તાનો આ વીડિયો ભારતનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર koreus.com નામની એક વેબસાઈટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ચીનના એક શહેરનો છે.
આ ઉપરાંત અમને અન્ય જગ્યાએ પણ આ વીડિયો સાથેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો ચીનનો હોવાની માહિતી આપવામાં આવી છે. જે તમે અહીં જોઈ શકો છો. nhipsongviet.toquoc.vn | afamily.vn
અમારી વધુ તપાસમાં અમે આ વીડિયોને ધ્યાનથી જોતાં એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં એક બસ જઈ રહી હોવાનું દેખાય છે. જે પ્રકારની બસો ગુજરાતમાં ક્યાંય પણ ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લેવામાં નથી આવી રહી જેની પુષ્ટી ગુજરાત આરટીઓ ઓફિસના એક અધિકારી દ્વારા કરવામાં આવી છે.
આ ઉપરાંત આ વીડિયોમાં તમને રોડની સાઈડમાં એક બિલ્ડિંગ દેખાશે જેમાં ધ્યાનથી જોશો તો ચાઈનીઝ ભાષામાં બોર્ડ લગાવેલુ દેખાય છે. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમને આ વીડિયોમાં એક ગાડી પર એક ખાસ પ્રકારનું લખાણ જોવા મળ્યું હતું. જે એક ચીનની પ્રસિદ્ધ સેંચુરિયમ કેપિટલ નામની કંપનીનું હોવાનું જાણવા મળ્યું હતું. જે તમે નીચેના બંને ફોટોમાં જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને વીડિયોમાં જઈ રહેલી એક બસ જોવા મળે છે. જેના વિશે ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને જાણવા મળ્યું હતું કે, આ બસ દક્ષિણ ચીનના ગુઆંગઝોઉ શહેરમાં ચાલતી પરિવહન સેવાની બસ છે.
અમને યુટ્યુબ પર વાયરલ વીડિયોનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે સ્પષ્ટપણે ચાઈનીઝ ભાષાના બોર્ડ અને વાહનો પર પણ લખવામાં આવેલી ચાઈનીઝ ભાષા જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખાડાવાળા રસ્તા પર જઈ રહેલા વાહનોનો એક વીડિયો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ ચીનનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title: જાણો ભારતના ખાડાવાળા રસ્તાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
