
Gujarat Mirror News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જુઓ પ્રેમી પંખીડા રસ્તા પર બેઠા હતા અને પછી છોકરીના મમ્મી પપ્પા આવ્યા અને પછી છું થયું જોવ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 હજાર લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 294 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 407 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાતા યુવક-યુવતી પ્રેમી છે અને યુવતીના માતા-પિતાએ બંનેને પકડી પાડ્યા હતા.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Namma Kundla News 24×7 દ્વારા તારીખ 17 સપ્ટેમ્બર 2020ના શેર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના કોડાગુ જિલ્લાના મદિકેરીની છે. જ્યાં એક શખ્સ દ્વારા એક મહિલાને ફોન પર મેસેજ કરી સતત પરેશાન કરતો હતો, બાદમા મહિલા દ્વારા તેને પાઠ ભણાવવા માટે બોલાવવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા તેને મારમારવામાં આવ્યો હતો.”
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિડિયોમાં મહિલા જે વ્યક્તિને મારમારી રહી છે તે વ્યક્તિનું નામ મોહમ્મદ મુદાસિર ઉર્ફે સાહિલ છે. જે ગોવલી શેરી, મદિકેરીમાં રહેતી આ મહિલાને મેસેજ કરી પરેશાન કરી રહ્યો હતો. ઘટના બાદ મહિલાએ મદિકેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, મુદાસિર એક મોબાઈલ રિચાર્જની દુકાનમાં કામ કરે છે. જ્યાં આ મહિલા રિચાર્જ કરાવવા ગઈ હતી અને ત્યાં આ મહિલાનો નંબર નોંધ્યા બાદ મુદાસિર તેને મેસેજ કરી પરેશાન કરી રહ્યો હતો. બાદમાં મહિલા દ્વારા મુદાસિરને મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં આ ઘટના બનવા પામી હતી.”
“તેમજ મહિલાની આ ફરિયાદ સામે મુદાસીર દ્વારા પણ આ મહિલા અને તેના ત્રણ સાથીદારો સામે મારપીટની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ કેસમાં કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે.” ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો આ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
TV9 Kannada(archive), Kannadaprabha(archive) દ્વારા આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દેખાતુ યુગલ પ્રેમી નથી, પરંતુ મહિલાને આ યુવાન દ્વારા પરેશાન કરવામાં આવતી હતી. બાદમાં મહિલા દ્વારા તેમના જાણીતાઓ સાથે મળી આ યુવાનને માર-માર્યો હતો. જે અંગે બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

Title:શું ખરેખર વિડિયોમાં દેખાતા યુવાન-યુવતી પ્રેમી છે.? જેને યુવતીના માતાએ પકડી પાડ્યા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
