
Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘ભાવનગર થી અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે. રાજધાની,તન્ના તથા S.T. ની તમામ બસો પરત ફરેલ છે.અને ફેદરા, લોલિયા,ધોલેરા,પીપળી, ધોળકાના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. મહેરબાની કરીને જે લોકો અમદાવાદ તરફ કે બગોદરા તરફ આવનાર લોકોને પરત ફરવા જણાવવામાં આવે છે.અમદાવાદ થી ભાવનગર તરફ જતા રસ્તામાં આવતા બ્રિજોની નીચેથી નદીઓ ભયજનક રીતે વહી રહી છે. તો દરેક મિત્રોને જાણ કરવામાં આવે છે. પોસ્ટ શેર કરી મેસેજ આગળ સુધી પહોંચાડો.’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી ફોટો સાથે ચાર ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટ પર 266 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 189 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાવનગર-અમદાવાદ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ તમામ ટ્રાવેલ્સ અને એસટી બસોને પરત બોલાવી લેવામાં આવી છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો સંદેહ ઉભો કરી રહ્યા હતા, કારણ કે, ગુજરાતમાં હાલ આટલો વરસાદ પડ્યો હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ. તેથી અમે ફેસબુક પર જ જૂદા-જૂદા કી-વર્ડથી શોધતા અમને ઉપરોક્ત પોસ્ટ સાથેનું લખાણ અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો 2017ના હોવાનું જાણવા મળ્યુ હતુ. 100 things to do in Ahmedabad નામના ફેસબુક યુઝર દ્વારા 27 જૂલાઈ 2017ના પોસ્ટ શેર કરી હતી. જે આપ નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામ પરથી એ તો નક્કી થઈ ગયુ હતુ કે, આ ફોટો હાલના તો નથી. છતા પણ અમારી પડતાલને મજબુત કરવા અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GSTV નામની વેબસાઈટ દ્વારા 28 જૂલાઈ 2019ના એક આર્ટીકલ શેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, કલેક્ટર દ્વારા સોશિયલ મિડિયામાં વાયરલ થયેલા મેસેજને લઈ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ પ્રકારે કોઈ રસ્તા બંધ નથી.

ત્યાર બાદ પોસ્ટમાં જે ટ્રાવેલ્સના નામ લખવામાં આવ્યા છે. તે તમામ ટ્રાવેલ્સ સંચાલકો જોડે પણ અમે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ બસ પરત નથી ફરી અને અમારી બસો રાબેતા મુજબ ચાલી જ રહી છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો 2 વર્ષ પહેલાના છે. અને હાલ આ પ્રકારે કોઈ રસ્તા બંધ ન હોવાનું ક્લેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

Title:શું ખરેખર ભાવનગર – અમદાવાદના તમામ રોડ બંધ થઈ ગયા છે….?જાણો શું છે સત્ય…..
Fact Check By: Yogesh KariaResult: False
