વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ બ્રિજેશ મેરજા નહિં પરંતુ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છે. તેમજ બ્રિજેશ મેરજા ભાજપા સાથે જોડાયેલા છે. કોંગ્રેસ સાથે નહિં.

ગુજરાતના મોરબી થયેલા અકસ્માતને લઈ સમગ્ર દેશમાં શોક છે અને જેને લઈ સોશિયલ મિડિયામાં અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પૃષ્ટભૂમિ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ટ્યુબ લઈને લોકોની મદદ કરી રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વ્યક્તિ મોરબી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે. જેણે મોરબી અકસ્માત વખતે પાણીમાં કુદી લોકોની મદદ કરી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
उमेश सिंह નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વ્યક્તિ મોરબી કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજા છે. જેણે મોરબી અકસ્માત વખતે પાણીમાં કુદી લોકોની મદદ કરી હતી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ જ વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા મોરબી દુર્ધટનામાં બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને કાંતિ અમૃતિયા લોકોને બચાવવા પોતે નદીમાં ઊતર્યા હતા.”

તેમજ કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ આ બચાવ કાર્યના વિડિયોને તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે, “મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના ખુબ જ કમનસીબ છે. હું સ્થળ પર જ છું. સૌને નમ્ર અપીલ કે આ દુઃખની ઘડીમાં આપણે સૌ સાથે મળી શક્ય તેટલા લોકોને મદદરૂપ થઈએ. નોંધ:જે જગ્યાએ બચાવ કાર્ય ચાલુ છે ત્યા ખોટી ભીડ ના કરીએ જેથી રાહતકાર્યમાં કોઈ અડચણ ના આવે.”
તેમજ અમે અમારી પડતાલને વધુ આગળ વધારવા કાંતિભાઈ અમૃતિયાનો પણ સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, વિડિયોમાં જે વ્યક્તિ જોવા મળે છે તે પોતે જ છે. બ્રિજેશ મેરજા હોવાની વાત તદ્દન ખોટી છે.
કોણ છે બ્રિજેશ મેરજા?
બ્રિજેશ મેરજા હાલમાં મોરબી વિધાનસભા પરથી ધારાસભ્ય છે અને ગુજરાતની સરકારમાં મંત્રી છે. મેરજા 2017માં કોંગ્રેસની ટિકિટ પર મોરબીના ધારાસભ્ય બન્યા હતા ત્યારે તેમણે ભાજપના કાંતિલાલ અમૃતિયાને હરાવ્યા હતા. પરંતુ વર્ષ 2020માં બ્રિજેશ મેરજા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણી જીતીને ફરી મોરબીના ધારાસભ્ય બન્યા હતા.
નીચે તમે બ્રિજેશ મેરજા અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની તસ્વીર વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. વિડિયોમાં જોવા મળતી વ્યક્તિ બ્રિજેશ મેરજા નહિં પરંતુ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા છે. તેમજ બ્રિજેશ મેરજા ભાજપા સાથે જોડાયેલા છે. કોંગ્રેસ સાથે નહિં.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા પાણીમાં કુદી લોકોને બચાવ્યાનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
