તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી આ મહિલા રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મહિલા રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારી નહીં પરંતુ ગુજરાતની એક સામાજીક કાર્યકર નિકિતાબા રાઠોડનો છે. આ વીડિયોને રાજસ્થાન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 28 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિયા કુમારી નાયબ મુખ્યમંત્રી રાજસ્થાન સરકાર જય શ્રી રામ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી આ મહિલા રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો નિકિતાબા રાઠોડ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર 22 જાન્યુઆરી, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

https://www.facebook.com/reel/1411397666454768

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે નિકિતાબા રાઠોડનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે એ તેમનો જ છે. આ વીડિયો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ દિવસે અમદાવાદના નરોડા ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો તેનો છે. આ કાર્યક્રમમાં 11 હજાર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, નિકિતાબા એક ડિજીટલ ક્રિએટર અને સામાજીક કાર્યકર્તા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લોકોની વચ્ચે તલવારબાજી કરી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મહિલા રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારી નહીં પરંતુ ગુજરાતની એક સામાજીક કાર્યકર નિકિતાબા રાઠોડનો છે. આ વીડિયોને રાજસ્થાન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો તલવારબાજી કરી રહેલી રાજસ્થાનની ઉપમુખ્યમંત્રી દિયા કુમારીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False