
હાલમાં ગુજરાતમાં 6 મહાનગર પાલીકાઓની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સુરતમાં આમ આદમી પાર્ટી બીજા પક્ષ તરીકે ઉભરીને આવી છે. આ પરિણામ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યમાં લોકો આવ્યા હતા. ત્યારબાદથી સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોએ આમ આદમી પાર્ટીની ટોપી અને ગળામાં પહેરેલુ જોવા મળે છે. તેમજ તેઓ અમુક વ્યક્તિ પાસે 500-500 રૂપિયાની માંગણી કરી રહ્યા છે, આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આપ દ્વારા સુરતની વરાછા રેલીમાં 500-500 રૂપિયા આપી ભીડ બોલાવવામાં આવી હતી જે બાદનો આ વિડિયો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાંઆવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ દિલ્હીના શાલિમાર બાગમાં આવેલા શાહબાદ ડેરી વિસ્તારનો હોવાનું સાબિત થાય છે. ગુજરાતના સુરતની રેલી બાદનો હોવાની વાત તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shishir Rss નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આપ દ્વારા સુરતની વરાછા રેલીમાં 500-500 રૂપિયા આપી ભીડ બોલાવવામાં આવી હતી જે બાદનો આ વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
આ વિડિયો વાયરલ થયા બાદથી સોશિયલ મિડિયા પર અરવિંદ કેજરીવાલની સુરતની રેલીને લઈ ભારે આક્રોશ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝરૂમપોસ્ટના ઓફિશિયલ ટ્વિટર પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 25 ફેબ્રુઆરી 2021ના શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. જેમાં પણ આ જ આક્ષેપ કરવામાં આવ્યા હતા.
તેમજ ન્યુઝરૂમ પોસ્ટનો આર્ટિકલ પણ અમને પ્રાપ્ત થયો હતો. જેમાં આ વિડિયો બુધવારના અરવિંદ કેજરીવાલ દ્વારા શાલિમાર બાગમાં કરવામાં આવેલા રોડ-શો બાદની છે. બુધવારના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા શાલિમાર બાગમાં કરેલા રોડશો બાદનો આ વિડિયો છે.

તેમજ અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ તારીખ 25 ફેબ્રુઆરી 2021ના આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
તેમજ દિલ્હી કોંગ્રેસ દ્વારા પણ આ વિડિયોને તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ વિડિયોને શેર કરવામાં આવ્યો હતો. જેમાં પણ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એમસીડી બાયઈલેક્શન દરમિયાનનો આ વિડિયો છે. આ ઘટના શાહબાદ ડેરી વિસ્તારમાં બનવા પામી હતી.
તેમજ આ ક્લુના આધારે તપાસ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, કેજરીવાલ દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2021ના શાહબાદ ડેરીમાં રેલી યોજી હતી. જેને સ્થાનિક ચેનલ P24 News નામની યુટ્યુબ ચેનલ દ્વારા કવર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
વાયરલ વિડિયો પાછળના દ્રશ્યો અને P24 News દ્વારા પ્રસારિત વિડિયોમાં એક સરખા જોવા મળે છે. તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે પી24 ન્યુઝનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટના કેજરીવાલની રેલી પૂર્ણ થયા બાદ શાહબાદ ડેરી વિસ્તારમાં બનવા પામી હતી. જો કે, બાદમાં તમામને આપની સ્થાનિક ઓફિસે લઈ જઈ અને મામલો થાળે પાડવામાં આવ્યો હતો. આ વિડિયો દિલ્હીનો જ છે સુરતનો હોવાની વાત તદ્દન ખોટી છે.”
તેમજ અરવિંદ કેજરીવાલ દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2021ના સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, આ વિડિયો અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં કરવામાં આવેલી રેલી પહેલાનો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાંઆવેલો વિડિયો ગુજરાતનો નહિં પરંતુ દિલ્હીના શાલિમાર બાગમાં આવેલા શાહબાદ ડેરી વિસ્તારનો હોવાનું સાબિત થાય છે. ગુજરાતના સુરતની રેલી બાદનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર આમ આદમી પાર્ટીની સુરત રેલી બાદનો આ વિડિયો છે…..?
Fact Check By: Yogesh KariaResult: False
