
વિકાસ ગાંડો નામના પેજ દ્વારા 19 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો, કે હાર્દિક પટેલને ફડાકો મારનાર વ્યક્તિ બુટલેગર છે. આ પોસ્ટ પર 426 લોકોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા અને 33 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, અને 1800થી વધુ લોકોએ આ પોસ્ટને શેર કરી હતી…
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો છે કે કેમ તે જાણવું જરૂરી હતું. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને સૌ પ્રથમ અમે યાન્ડેક્ષ બ્રાઉઝરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું અને ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટાને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને એક પરિણામ મળ્યું હતું..

ઉપરોક્ત મળેલા પરિણામો પરથી અમને જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવામાં જે વ્યક્તિ દર્શાવવામાં આવ્યો હતો, તે વ્યક્તિનું નામ રમેશ માઈકલ છે અને વાપીનો લીસ્ટેડ બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે, અને પોસ્ટમાં જે ફોટો દર્શાવવામાં આવ્યો છે, તે 2016માં સુરત પોલીસ દ્વારા રમેશ માઈકલની ધરપકડ કરવામાં હતી તે સમયનો છે. આ સમાચારને દિવ્યભાસ્કર દ્વારા તે સમયે પ્રસારિત કરવામાં આવ્યા હતા..

દિવ્યભાસ્કર દ્વારા પ્રસારિત કરવામાં આવેલા અહેવાલ નીચેની લિંક પર ક્લિંક વાંચી શકાશે..
ત્યાર બાદ એ જાણવું પણ જરૂરી હતું કે હાર્દિક પટેલ પર હુમલો કરનાર વ્યક્તિ કોણ હતો? આથી અમે વઢવાણ પોલીસનો સંપર્ક કરતા અમને જાણવા મળ્યું હતું કે, 19 તારીખે હાર્દિકને સભામાં ફડાકો માર્યા બાદ તે વ્યક્તિને ટોળાએ ઢોર માર માર્યો હતો અને તે વ્યક્તિ દ્વારા વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી હતી, ગુના રજીસ્ટર નંબર 17/2019 હેઠળ નોધાયેલી ફરિયાદમાં આ વ્યક્તિ દ્વારા પોતાની ઓળખ તરૂણ મનુભાઈ સુથાર તરીકેની આપી હતી અને તે કડી તાલુકાનો રહેવાસી હોવાનું અને ખેતીનો તથા જમીન લે-વેચનો વ્યાપાર કરતો હોવાનું જણાવ્યું હતું. સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બાગરિયા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે, હાર્દિક પટેલને ફડાકો મારનાર તરૂણ ગજ્જર નામનો વ્યક્તિ છે.
Mahendra Baghedia, SP Surendranagar, Gujarat on Tarun Gajjar (who slapped Hardik Patel at a rally earlier today): The man is not affiliated to any party, he is a common man. Law is taking its own course. pic.twitter.com/DIOgnqMMvi
— ANI (@ANI) April 19, 2019
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હાર્દિકને ફડાકો મારનાર વ્યક્તિ કોઈ બુટલેગર નથી. તે વ્યક્તિનું નામ તરૂણ ગજ્જર છે. અને તે ખેતી અને જમીન લે-વેચના વ્યાપાર સાથે જોડાયેલો છે…જયારે પોસ્ટમાં અન્ય ફોટોમાં દર્શાવવામાં આવેલો વ્યક્તિ રમેશ માઈકલ નામનો બુટલેગર હોવાનું જાણવા મળ્યું હતું.

Title:હાર્દિક પટેલને ફડાકો મારનાર વ્યક્તિ ખરેખર બુટલેગર છે…? જાણો શું છે સત્ય…….
Fact Check By: Frany KariaResult: False
