તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરુપતિ બાલાજી મંદિરના મુખ્ય પૂજારી એ.પી. રમના દીક્ષિતુલુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં તિરુપતિ મંદિરના પૂજારીએ દાનપેટીમાં દાન ન મૂકવાની વાત જરુર કરી છે પરંતુ એવું ક્યાંય નથી કહ્યું કે, જગનમોહન રેડ્ડી સરકાર તિરુપતિ મંદિરના દાનપેટીની આવક હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વપરાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Pamsi Ramesh નામના ફેસબુક યુઝર દ્વારા 11 એપ્રિલ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તિરુપતિ ના પુજારી ની મંદિરમા દાન કે ચઢાવા ચઢાવા નહિ કરવાની અપીલ હિંદુ શ્રધ્ધાળુઓ ના ચઢાવાના પૈસા લઈ ત્યાની જગન રેડ્ડી સરકાર હિંદુઓને ધમઁ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવવામાં વાપરવામા આવી રહ્યા છે. ૮૦% હિંદુ હોવા છતા આ હાલત છે તો ૫૦% થશે ત્યારે શુ થશે ? મનન કરો જાગો.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ તિરુપતિ મંદિરના મુખ્ય પૂજારી એ.પી. રમના દીક્ષિતુલુ નો ફેક્ટ ક્રેસેન્ડોએ તિરુપતિ મંદિરના મુખ્ય પૂજારી એપી રમના દીક્ષિતુલુનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું હતું કે “આ દાવો ખોટો છે. હું માત્ર એટલું જ કહી રહ્યો હતો કે, લોકો તિરુપતિ બાલાજી મંદિરની હુંડીમાં જે પૈસા દાન કરે છે તે ભગવાન સાથે જોડાયેલી વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાતા નથી. મંદિરમાં દાન આપતા ભક્તોએ ભગવાન માટે દાન આપ્યું હતું પરંતુ તેમના પૈસા ભગવાનના કાર્યો, જેમ કે ભગવાનનો પ્રસાદ, ફૂલો, શણગાર, આ વસ્તુઓ માટે ખર્ચવામાં આવતા નહતા. પરંતુ તે પૈસા લોકોના પગાર, એન્જિનિયરિંગ વિભાગ વગેરે માટે વાપરવામાં આવતા હતા. એટલા માટે મેં ભક્તોને મંદિરની હુંડીમાં દાન ન આપવા વિનંતી કરી હતી. આ સિવાય તેઓ એવા મંદિરોમાં દાન કરી શકે છે કે, જેની પાસે ભગવાનની સેવા કરવા માટે પૈસા નથી. મેં મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી વિશે કોઈ જ વાત નથી કરી અને એવું પણ નથી કહ્યું કે, મંદિરમાં દાનમાં મળેલા પૈસા હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે કે મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ માટે ખર્ચવામાં આવે છે.”

અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, વર્ષ 2018માં એ.પી. રમના દીક્ષિતુલુએ મંદિરના સંચાલકો પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, તેઓ મંદિરમાં આવતા દાનના પૈસામાં અપ્રમાણિકતા તેમજ મંદિરની પવિત્રતાને નષ્ટ કરી રહ્યા છે. તેમણે મંદિરને મળેલા દાન અને TTD (તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ) દ્વારા કરાયેલા ખર્ચના ઓપન ઑડિટની માંગણી કરી હતી.

આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, મંદિરના બ્યુટિફિકેશનના નામે વીવીઆઈપી માટે ખાસ લાઈનો બનાવવા માટે મંદિરની દિવાલો અને ફ્લોરમાં કાણાં પાડીને સદીઓ જૂના સ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમણે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાને મંદિરના માળખાને થયેલા નુકસાનની તપાસ કરવાની માંગ કરી હતી.

તેમણે મંદિરના સંચાલકો પર પૂજારીઓ પર વર્ચસ્વ જમાવવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું હતું કે, કોઈ પણ કામ કરતાં પહેલાં પૂજારીઓનો અભિપ્રાય લેવામાં આવતો નથી.

દીક્ષિતુલુએ એમ પણ કહ્યું હતું કે, મંદિરમાંથી મળેલા ઘરેણાં વિશે સત્તાવાળાઓ કંઈ પણ જાહેર કરતા નથી. આ સાથે તેમણે વધુ આક્ષેપો કર્યા હતા.

પરંતુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી અને મંદિરના દાનનો ઉપયોગ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે થાય છે તેવું ક્યાંય લખ્યું નથી.

આરોપો લગાવવાના આ પ્રકરણ પછી એ.પી.રમના દીક્ષિતુલુ સાથે 65 વર્ષથી વધુ ઉંમરના પૂજારીઓને નિવૃત્ત કરવામાં આવ્યા હતા. એ.પી.રમના દીક્ષિતુલુને ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મંદિરના મુખ્ય પૂજારી તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં તિરુપતિ મંદિરના પૂજારીએ દાનપેટીમાં દાન ન મૂકવાની વાત જરુર કરી છે પરંતુ એવું ક્યાંય નથી કહ્યું કે, જગનમોહન રેડ્ડી સરકાર તિરુપતિ મંદિરના દાનપેટીની આવક હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વપરાય છે.

Avatar

Title:શું ખરેખર તિરુપતિ મંદિરના પૂજારીએ એવું કહ્યું કે, મંદિરની દાનપેટીના પૈસા જગનમોહન રેડ્ડી હિન્દુઓના ધર્મ પરિવર્તન માટે વાપરે છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: Partly False