વલીવના વરિષ્ઠ પોલીસે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. પતિ મિન્ટુ સિંહ અને સાળા ચુન ચુન સિંહે ગેરકાયદે સંબંધ હોવાની શંકાથી મહિલાની હત્યા કરી હતી. ઘટનામાં પીડિતા અને આરોપી બંને હિન્દુ છે.

સોશિયલ મીડિયા પર લવ જેહાદનો મામલો દર્શાવતી એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં એક હાથમાં ઓમ અને ત્રિશુલનું ટેટૂ બનાવ્યું છે. તસવીર શેર કરીને સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, મુંબઈ નજીક અરબી સમુદ્રમાં એક હિન્દુ યુવતીનો મૃતદેહ મળ્યો છે. આ તસવીરને કેરળની વાર્તા સાથે સાંપ્રદાયિક મુદ્દા તરીકે જોડવામાં આવી રહી છે. આ સાથે હિન્દુ યુવતીઓને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Nitesh M Vanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુંબઈ નજીક અરબી સમુદ્રમાં એક હિન્દુ યુવતીનો મૃતદેહ મળ્યો છે. આ તસવીર કેરળ સ્ટોરીની વાસ્તવિક્તા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં અમે વાયરલ તસવીરની રિવર્સ ઇમેજ સર્ચ કરી હતી. પરિણામે, અમને વાયરલ ફોટો સાથેના ઘણા મીડિયા અહેવાલો મળ્યા. ઈન્ડિયા ટીવી દ્વારા પ્રસારિત અહેવાલ મુજબ મામલો 2 જૂનનો છે. હકીકતમાં, મહારાષ્ટ્રના ભાયંદરમાં દરિયા કિનારે એક સૂટકેસ ત્યજી દેવાયેલી મળી આવી હતી. માહિતી મળતાં પોલીસે સૂટકેસ ખોલી તો ત્યાં માથા વગર બે ભાગમાં કપાયેલી એક મહિલાની લાશ હતી.
બીજી બાજુ, અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસને તેના હાથ પર ઓમ અને ત્રિશુલનું ટેટૂ જોવા મળ્યું. હવે મૃતદેહની ઓળખ કરવા અને હત્યારાને શોધવા માટે પોલીસ પાસે આ ટેટૂ એકમાત્ર ચાવી હતી.
મહિલાના હાથ પર બનાવેલા ટેટૂના આધારે પોલીસે વસઈ-વિરારમાં ટેટૂ બનાવનારાઓની દુકાનો પર જઈને માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. જે બાદ ટેટૂ કરાવનાર વ્યક્તિએ તેને ઓળખી લીધો અને મહિલા વિશે માહિતી આપી.
આ માહિતી બાદ પોલીસે મૃતકના ઘરે તપાસ કરી હતી. ઘરની શોધખોળ કર્યા પછી, મૃતકના પતિ અને સાળા સાથે વાત કરી. જે પછી, વાતચીત દરમિયાન કંઈક શંકાસ્પદ મળ્યા પછી, પોલીસે બંનેનું સ્થાન અને સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ શરૂ કર્યું.

જે બાદ સ્પષ્ટ થયું કે મહિલાની હત્યા તેના પતિ મિન્ટુ સિંહ અને સાળા ચુનમુન સિંહે કરી હતી. પોલીસનું કહેવું છે કે બંને ભાઈઓના કૃત્યના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં તેઓ મૃતદેહને બોરીમાં ભરીને રૂમની બહાર લઈ જતા જોવા મળે છે.
મૃતક મહિલાનું નામ અંજલી હતું. બે વર્ષ પહેલા તેણે મિન્ટુ સાથે લગ્ન કર્યા હતા. ગેરકાયદેસર સંબંધ હોવાની આશંકાથી બંને વચ્ચે ઝઘડા થતા હતા. નાયગાંવ પોલીસે બિહારના વતની મિન્ટુ સિંઘની ધરપકડ કરી હતી, જેઓ ભાયંદરમાં કામ કરે છે, ઝઘડા પછી નાયગાંવ પૂર્વમાં તેના ઘરે દિવાલ સાથે માથું પછાડીને તેની હત્યા કરવાના આરોપમાં.
પોલીસનું નિવેદન-
જ્યારે અમે સ્પષ્ટતા માટે ક્રાઈમ બ્રાન્ચ MBVVનો સંપર્ક કર્યો, ત્યારે શાહુરાજ રાણાવરેએ અમને સ્પષ્ટતા કરી કે, આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. મૃતકનું નામ અંજલી હતું. તેણીની હત્યા તેના પતિ અને સાળા દ્વારા કરવામાં આવી હતી.
આ સિવાય અમે વલિવના વરિષ્ઠ પોલીસ અધિકારી કૈલાશ બર્વે સાથે વાત કરી. તેમણે અમને સ્પષ્ટતા કરી કે, વાયરલ તસવીર સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. ઘટનામાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. મહિલાની તેના પતિ દ્વારા હત્યા કરવામાં આવી છે. તેનો પતિ હિંદુ છે. આરોપી વિરૂદ્ધ 302 હેઠળ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મૃતક મહિલાનું નામ અંજલી મિન્ટુ સિંહ છે. મહિલાને તેના પતિ મિન્ટુ સિંહ અને સાળા ચુન ચુન સિંહે અવૈધ સંબંધ હોવાની આશંકાથી માર માર્યો હતો. ઘટનામાં પીડિતા અને આરોપી બંને હિન્દુ છે. આ ઘટનામાં લવ જેહાદનો કોઈ એંગલ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ત્રિશુલ ટેટૂ સાથેની આ ફોટોમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી, મૃતક અને આરોપી બંને હિન્દુ છે….
Written By: Frany KariaResult: False
