શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી છોકરી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી છે...? જાણો શું છે સત્ય…
Ravindra Barot નામના ફેસબુક યુઝર દ્વારા 11 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રશિયાએ લોંન્ચ કરેલી કોરોનાની વેક્સીન પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી પર કરવામાં આવ્યું. ટૂંક સમયમાં સામાન્ય વ્યકિતઓ સુધી રસી પહોંચે તેવી શકયતા . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રશિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની વેક્સીન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની છોકરીને આપવામાં આવી તેનો છે. આ પોસ્ટને 82 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રશિયા દ્વારા બનાવવામાં આવેલી કોરોનાની વેક્સીન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની છોકરીને આપવામાં આવી તેનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 13 જુલાઈ, 2020 ના રોજ Nadejda Sorokina નામના ટ્વિટર યુઝર દ્વારા યુવતીના રસીકરણનો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયો સાથે આપવામાં આવેલી રશિયન ભાષાની માહિતી અનુસાર, આ વીડિયો રશિયાની બર્ડેન્કો હોસ્પિટલનો છે. ગયા મહિને કોરોનાની રસીના પરીક્ષણના બીજો તબક્કામાં લગભગ 20 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો તે સમયનો આ વીડિયો છે.
અમારી વધુ તપાસમાં અમને tvzvezda.ru દ્વારા 13 જુલાઈ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં દેખાતી છોકરી એસ.એમ.કિરોવ સૈન્ય મેડિકલ એકેડેમીની સ્વયંસેવક નતાલ્યા છે. તેના પર COVID-19 રસીના પરીક્ષણનો બીજો ઘટક રજૂ કરવામાં આવ્યો ત્યારે તે જરાય ભયભીત નથી જે તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને આગળ વધારતાં અમને એ જાણવા મળ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમની પ્રથમ પત્નીથી બે દીકરીઓ છે. જે બંનેના નામ મારિયા અને કેટરિના છે. બંનેને તમે નીચેના ફોટોમાં જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી છોકરી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દીકરી નહીં પરંતુ મિલિટરી મેડિકલ કોલેજની વિદ્યાર્થીની છે જેનું નામ નતાલિયા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી છોકરી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દીકરી નહીં પરંતુ મિલિટરી મેડિકલ કોલેજની વિદ્યાર્થીની છે જેનું નામ નતાલિયા છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતી છોકરી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની દીકરી છે...? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False