
માથા ભારે ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 24 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, તન્મય બક્ષી અાને કેહવાય ભારત દેશ નું કોહીનુર ઈન્ટરનેટ ગુગલ કમ્પની મા જોબ માટે સીલેકટ કરવામાં આવ્યો જેનો વાર્ષીક પગાર 1 કરોડ 25 લાખ છે. હજુ મુછનો દોરો ફુટ્યો નથી ને આ ભારતીય છોકરાનું ઇંટરવ્યુ લેવાવાળા પરસેવો વાળી દીધો જો આ વિડીયોમાં ..!! આને કહેવાય ભારત નું અનમોલ રત્ન ગૌરવ અને શેર કરાય દીલથી મિત્રો આપડે કાંઈ ના કરી શકીયે તો કોઈ વાંધો નહી પણ જેણે કરયુ છે તેની માટે દીલ થી લાઈક અેન્ડ કોમેન્ટ કરો સાથે સાથે આવિ પોષ્ટ જોવા માટે અમારા પેજ ને ખુબ લાઈક એન્ડ શેર કરો.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતના તન્મય બક્ષીને ગુગલ કંપની દ્વારા જોબ માટે સિલેક્ કરવામાં આવ્યો છે અને તેનો વાર્ષિક પગાર 1.25 કરોડ રૂપિયા છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 217 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 3300 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Post Archive | Video Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર તન્મય બક્ષીને ગુગલ કંપની દ્વારા જોબ માટે સિલેક્ટ કરવામાં આવ્યા હોય અને તેમનું વાર્ષિક પેકેજ 1.25 કરોડ રૂપિયા છે કે કેમ? તે જાણવા માટે સૌ પ્રથમ અમે ગુગલનો સહારો લઈ Tanmay Bakshi સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને તન્મય બક્ષીનું ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું હતું. જેમાં એવું લખેલું છે કે, હાલમાં તે IBM સાથે કામ કરી રહ્યા છે. વધુમાં તે ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પણ છે. તેમજ હેલો સ્વિફ્ટ નામના પુસ્તકના લેખક પણ છે. તે TED-Keynote સ્પીકર તેમજ એક જાણીતા યુટ્યુબર પણ છે. જે તમે નીચે જોઈ શકો છો.

હવે ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ શું છે એ પણ જાણવું જરૂરી હોવાથી અમને નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું સ્પષ્ટ લખેલું છે કે, ગુગલ દ્વારા ગુગલ ડેવલપર્સ એક્પર્ટ નામે એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં તજજ્ઞોને ગુગલ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. પરંતુ એનો મતલબ એ નથી કે તેઓ ગુગલ કંપનીમાં કામ કરે છે કે તેના કર્મચારી છે. તેમના દ્વારા આપવામાં આવતી સેવા માટે તે પોતે જ જવાબદાર હોય છે. વધુમાં આ એકસપર્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે ગુગલની કોઈ જ જવાબદારી હોતી નથી. જે તમે નીચે જોઈ શકો છો.

ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પ્રોગ્રામ વિશેના નિયમો પરથી અમને એ પણ જાણવા મળ્યું હતું કે, તેમાં પણ એવું સ્પષ્ટ લખેલું છે કે, ગુગલ ડેવલપર્સ એક્સપર્ટ પ્રોગ્રામમાં ભાગ લેનાર ગુગલના કર્માચારી નથી. જે માહિતી પણ તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને તન્મય બક્ષી દ્વારા 2 સપ્ટેમ્બર, 2017 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તન્મય બક્ષી દ્વારા એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, જે લોકો એવું માને છે કે, હું ગુગલ કે ફેસબુકમાં જોબ કરું છું એ ખોટું છે. પરંતુ આ બંને મને પસંદ છે. જે તમે નીચે જોઈ શકો છો.
હવે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો વિશે જાણવું જરૂરી હોવાથી સર્ચ કરતાં અમને તન્મય દ્વારા 23 ઓગષ્ટ, 2017 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં એવું લખેલું હતું કે, ધ એએમ શો ન્યૂઝીલેન્ડ મને પસંદ છે. જે તમે નીચે જોઈ શકો છો.
વધુ તપાસમાં અમને યુટ્યુબ પર Ali Butt Live Videos દ્વારા 26 ઓગષ્ટ, 2017 ના રોજ મૂકવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવેલો જ વીડિયો હતો. જેના પરથી એવું સ્પષ્ટ સાબિત થાય છે કે, ન્યૂઝીલેન્ડની એક ચેનલ પર ધ એએમ શો નામના ટોક શોનો વીડિયો છે. આ સંપૂરણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તન્મય બક્ષી ગુગલના કર્મચારી નથી અને ગુગલ દ્વારા તેમને વાર્ષિક 1.25 કરોડ રૂપિયા પગાર પણ આપવામાં આવતો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તન્મય બક્ષી હાલમાં IBM કંપની માટે કામ કરી રહ્યા છે. તે ગુગલના કર્મચારી નથી અને ગુગલ દ્વારા તેમને વાર્ષિક 1.25 કરોડ રૂપિયા પગાર પણ આપવામાં આવતો નથી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ભારતના તન્મય બક્ષીને ગુગલ દ્વારા 1.25 કરોડ રૂપિયાના વાર્ષિક પગાર પર નોકરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
