શું ખરેખર રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ લગાવવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Partly False રાજકીય I Political સામાજિક I Social

‎‎‎Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, વાહ ગતિશીલ ગુજરાત રાજકોટમાં તમે જાહેર માં કચરો ફેકશો તો 376 એટલે દુષ્કર્મ ની કલમ લાગશે. આ નલિયાની પેદાશો ને આવુજ દેખાય હો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજકોટમાં જો તમે ક્યાંય પણ જાહેરમાં કચરો નાખશો તો તમારા પર દુષ્કર્મની કલમ 376 લગાવવામાં આવશે. આ પોસ્ટને 143 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રાજકોટ શહેરમાં જાહેરમાં ક્યાંય પણ કચરો નાખવા પર દુષ્કર્મની કલમ 376 લગાવવામાં આવશે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને Connect Gujarat TV દ્વારા 12 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, રાજકોટમાં દુધસાગર પર આવેલી શાળા નં-૬૬ની પાસે આવેલા શૌચાલય પાસે જો કોઈ રાહદારી કે આસપાસ રહેતા રહીશો દ્વારા જો ફેંકવામાં આવશે તો તેના પર આઈપીસી એક્ટ ૩૭૬ મુજબ દુષ્કર્મનો ગુનો નોંધીને મનપા કાર્યવાહી કરશે. આ પ્રકારનું બોર્ડ મનપા દ્વારા લગાવવામાં આવ્યું હતું. પરંતુ લખાણમાં થયેલી આ ભૂલની જાણ મનપાના અધિકારીઓને થતાં તરત જ લખાણમાંથી 376 હટાવી દેવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારે બોર્ડના લખાણમાં ભૂલ થઈ હોવાની માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જેના પરથી એ સ્પષટ સાબિત થાય છે કે, રાજકોટમાં જાહેરમાં કચરો નાખવા પર દુષ્કર્મની કલમ 376 લગાવવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. અન્ય સમાચાર તમે અહીં જોઈ શકો છો. sandesh.com | khabarchhe.com | policeparivar.com

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઈજનેર નિલેશભાઈનો સંપર્ક કરી આ સમગ્ર ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, બૂથ લેવલે કે જ્યારે બોર્ડમાં લખાણ કરવામાં આવ્યું ત્યારે પેઈન્ટર દ્વારા આ પ્રકારની ભૂલ થઈ હોવાની શક્યતા છે. પેઈન્ટર દ્વારા GPMC એક્ટની કલમ 376 ની જગ્યાએ IPC એક્ટની કલમ 376 લખવામાં આવ્યું હતું. પરંતુ તેની જાણ અમને તરત જ થતાં અમે આ લખાણમાંથી 376 હટાવી દીધું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ 376 લગાવવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. કેટલાક અણસમજુ લોકો દ્વારા આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રાજકોટ મનપા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ 376 લગાવવામાં આવશે એ માહિતી તદ્દન ખોટી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રાજકોટ મનપા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ 376 લગાવવામાં આવશે એ માહિતી લખાણમાં ભૂલને કારણે વાયરલ થઈ હતી પરંતુ મનપાના અધિકારીઓના ધ્યાને આવતાં લખાણને સુધારી લેવામાં આવ્યું હતું. 

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર રાજકોટમાં જાહેરમાં કચરો ફેંકવા પર દુષ્કર્મની કલમ લગાવવામાં આવશે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Partly False