શું ખરેખર વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે?.... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ GS TV ના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે GS TV ના બ્રેકિંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ritesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા 17 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખવામાં આવ્યું છે કે, વાપી વલસાડ જિલ્લામાં નકલી કોરોના વેક્સિન બનાવીને આપે છે. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડતી સર્ચ કરતાં અમને ક્યાંય પણ વલસાડના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવતી હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. ત્યાર બાદ અમે GS TV ના ન્યૂઝ એડિટર કરન રાજપૂત સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “કેટલાક ઠગબાજો દ્વારા અમારી ચેનલની બ્રેકિંગ પ્લેટમાં એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.”
વધુમાં તેઓએ અમને જે બ્રેકિંગ પ્લેટમાં એડિટીંગ કરવામાં આવ્યું છે એ સંપૂર્ણ વીડિયો મોકલ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ સમગ્ર વીડિયોમાં તમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનું લખાણ જોઈ શકાતું નથી. આ વીડિયોમાં તમે 1.30 મિનિટ પર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો સ્કિરીનશોટ જોઈ શકો છો.
ત્યાર બાદ અમેરી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે વાપી પોલીસનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વાપી ખાતે આ પ્રકારે કોરોનાની નકલી રસી બનાવવામાં આવતી હોવાની કોઈ માહિતી અમારા ધ્યાને આવી નથી.”
ત્યાર બાદ અમે GS TV દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એના લખાણના અક્ષર અને GS TV ના બ્રેકિંગના અક્ષર જુદા-જુદા છે. તેમાં એડિટીંગ કરવામાં આવ્યું છે. નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે GS TV ના બ્રેકિંગનો જે ફોટો મૂકવામાં આવ્યો છે તેને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:શું ખરેખર વલસાડ જિલ્લાના વાપી ખાતે નકલી કોરોના વેક્સિન બનાવવામાં આવે છે?
Fact Check By: Vikas VyasResult: False