
Hitesh Sakariya નામના ફેસબુક યુઝર દ્વારા 29 સપ્ટેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ભાજપ નો સાંસદ zee tv નો માલિક સુભાષ ચંદ્રા. 35000 કરોડ લઈને દેશ છોડી ને ફરાર. આ પણ આપણે જ ભરવાના છે યાદ રાખજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના સાંસદ અને ઝી ટીવીના માલિક સુભાષ ચંદ્રા 35000 કરોડ રૂપિયા લઈને દેશ છોડીને ફરાર. આ પોસ્ટને 45 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભાજપના સાંસદ અને ઝીટીવીના માલિક સુભાષ ચંદ્રા જો આ રીતે 35000 કરોડ રૂપિયા લઈ દેશ છોડી ફરાર થઈ ગયા હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત પણ કરવામાં આવ્યા જ હોય. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ સુભાષ ચંદ્રા દેશ છોડીને ફરાર સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત થયા ન હતા.
અમારી વધુ તપાસમાં અમે રાજ્યસભાના સાંસદ અને ઝી ટીવીના માલિક સુભાષ ચંદ્રા ગોયનકાના પર્સનલ સેક્રેટરી, અભિષેક જાધવ સાથે સંપર્ક કરી આ માહિતી વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર સુભાષ ચંદ્રા ગોયનકા સંબંધી તમામ માહિતી ખોટી છે તેઓ ભારતમાં જ છે. સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.”
વધુમાં અમે સુભાષ ચંદ્રા ગોયનકાની ઓફિસમાં એક કર્મચારી સાથે પણ આ અંગે વાત કરી હતી. તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર મોટેભાગે અફવાઓ ફેલાવવામાં આવતી હોય છે. આ પણ એ અફવાઓમાંથી જ એક છે. સુભાષ ચંદ્રા ગોયનકાજી ભારતમાં જ છે.”
ત્યાર બાદ અમને સુભાષ ચંદ્રા ગોયનકા દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર 27 સપ્ટેમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં લખ્યું હતું કે, “મુંબઈમાં સપ્ટેમ્બર મહિનામાં આ પ્રકારે વરસાદ જોઈને મને આશ્ચર્ય થાય છે. આ વરસાદને કારણે જળવાયુ પરિવર્તન થશે કારણ કે મુંબઈમાં મોટા ભાગે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વરસાદ બંધ થઈ જાય છે.”
ત્યાર બાદ 27 સપ્ટેમ્બર, 2019 ના રોજ તેમણે વધુ એક ટ્વિટ કરી હતી. જેમાં એવું લખ્યું હતું કે, “મને એ ખબર નથી કે શ્રાદ્ધની પૂજા-અર્ચના કરવાથી સ્વર્ગીય પૂરવજોને મુક્તિ મળે છે કે નહીં. પરંતુ મેં આજે મુંબઈમાં મારી માતાનું શ્રાદ્ધ કર્મ સમગ્ર રિતરિવાજો તેમજ મારા સંપૂર્ણ પરિવાર સાથે પૂર્ણ કર્યું.”
ઉપરોક્ત ટ્વિટમાં જ તેમણે પોતે 27 સપ્ટેમ્બર, 2019 ના રોજ મુંબઈમાં હોવાની માહિતી આપી છે. એ પરથી એ સાબિત થઈ જાય છે કે, તે ભારત છોડીને ભાગી ગયા છે એ અફવા માત્ર જ છે.
29 સપ્ટેમ્બર, 2019 ના રોજ પણ તેઓએ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે એવું લખ્યું હતું કે, “આપ સૌને નવરાત્રિ ઉત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. હું મારી આંખોની સર્જરી માટે મુંબઈમાં ડૉ.રશ્મિકાંત પટેલના ક્લિનિકમાં જઈ રહ્યો છું, બપોરે 2 વાગ્યા સુધી પરત આવી જઈશ.”
29 સપ્ટેમ્બર, 2019 ના રોજ તેમણે કરેલી વધુ એક ટ્વિટમાં તેઓ જણાવે છે કે, “મારી આંખની સર્જરી માટે શુભકામના આપવા માટે મારા મુંબઈ સ્થિત નિવાસ સ્થાને મારા સબંધી પવન જૈન આવ્યા હતા.”
અમારી વધુ તપાસમાં સુભાષ ચંદ્રા ગોયનકાના દેશ છોડીને ફરાર થવાની અફવાને લઈને તેમના દીકરા પુનીત ગોયનકાએ રવિવાર, 29 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક ટ્વિટ કરી સ્પષ્ટતા કરી હતી કે, “તેમના પિતા મુંબઈમાં જ છે. આ સાથે તેઓ આવી અફવાઓ ફેલાવવાવાળાઓને એવી સલાહ આપે છે કે, આવા લોકો પોતાની જીવનની સકારાત્મક ચીજો પર ધ્યાન કેન્દ્રિત કરે નહીં કે કોઈ બીજાને લગતી ખોટી માહિતી ફેલાવે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુભાષ ચંદ્રા દેશ છોડીને ફરાર નથી થયા તેઓ મુંબઈમાં જ છે. જે બાબતની પુષ્ટિ તેમના દીકરાએ કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ભાજપના સાંસદ અને ઝી ટીવીના માલિક સુભાષ ચંદ્રા દેશ છોડીને ફરાર નથી થયા તેઓ મુંબઈમાં જ છે. જે બાબતની પુષ્ટિ તેમના દીકરાએ કરી હતી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ભાજપાના સાંસદ અને ઝી ટીવીના માલિક સુભાષ ચંદ્રા દેશ છોડીને ફરાર થઈ ગયા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
