
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ વીર સાવરકરના ફોટો પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીર સાવરકરના ફોટાની બાજુમાં જઈને પુષ્પાંજલિ કરી રહ્યા છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર દૂરથી જ ફૂલ ફેંકીને પુષ્પાંજલિ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ જૂનો છે. નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ બાબાસાહેબને નજીકમાં જઈને પુષ્પાંજલિ કરી હતી. તેમજ આ પહેલાં પણ તેઓએ નજીકથી પુષ્પાંજલિ કરેલી છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા 14 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એં લખવામાં આવ્યું છે કે, સાવરકર ને નજીક માં જઇને શ્રદ્ધાંજલિ આપે છે જ્યારે આંબેડકર ને દુર ઉભા રહી ને શ્રદ્ધાંજલી આપે છે.. એટલો ભેદભાવ કેમ..??. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીર સાવરકરના ફોટાની બાજુમાં જઈને પુષ્પાંજલિ કરી રહ્યા છે જ્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર દૂરથી જ ફૂલ ફેંકીને પુષ્પાંજલિ કરી રહ્યા છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને economictimes.indiatimes.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 6 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુષપાંજલિ અર્પણ કરી તેનો આ ફોટો છે.

આજ ફોટો 2022 ના એક સમાચારમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ અમે એ શોધવાની કોશિશ કરી હતી કે, શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાબાસાહેબ આંબેડકરને દૂરથી જ પુષ્પાંજલિ કરીને ભેદભાવ કરવામાં આવ્યો છે કે કેમ?
તો અમારી તપાસમાં અમને નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર 14 એપ્રિલ, 2023 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાબાસાહેબ આંબેડકરને તેમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં તમે 8.15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે, તેઓ ફોટાની એકદમ નજીક જઈને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે.
અમારી વધુ તપાસમાં અમને નરેન્દ્ર મોદી દ્વારા ઘણી બધી વખત આ પહેલાં પણ બાબાસાહેબ આંબેડકરને એકદમ નજીકથી પુષપાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. 2014 | 2017 | 2021 | 2022
નીચે તમે વર્ષ 2014 થી 2023 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાબાસાહેબ આંબેડકરને કરવામાં આવેલી પુષ્પાંજલિના ફોટો જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, નરેન્દ્ર મોદી દ્વારા બાબાસાહેબની પ્રતિમાને દૂરથી પુષ્પાંજલિ આપીને ભેદભાવ કરવામાં આવ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ જૂનો છે. નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ બાબાસાહેબને નજીકમાં જઈને પુષ્પાંજલિ કરી હતી. તેમજ આ પહેલાં પણ તેઓએ નજીકથી પુષ્પાંજલિ કરેલી છે.

Title:બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
