
Kishan Vala નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, અરે!ગાંડી ચૂપ થઈ જા….ઘી ઢોળાઈ ગયું છે.પણ ઢોળાણું તો ખીચડીમાં જ..મહારાષ્ટ્રના ભાજપના દિગગજ નેતા સ્વ.ગોપીનાથ મૂંડેની દીકરી પંકજા મૂંડે પોતાના જ ભાઈ સામે ચૂંટણી હારી ગયા છે.તેથી તેઓ રડવા લાગ્યા છે. તે હારી ગયા એના દુઃખમાં રડતા હશે કે તેના ભાઈ જીતી ગયા એની ખુશીમાં રડતા હશે?. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પંકજા મુંડે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં હાર થવાથી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા. આ પોસ્ટને 33 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા પછી પંકજા મુંડે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને फूट फूटकर रोने लगी पंकजा मुंडे સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને TV9 Marathi દ્વારા 20 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પંકજા મુંડે દ્વારા ટીવી9 મરાઠી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આ સંપૂર્ણ વીડિયોમાં પંકજા મુંડે ક્યાંય પણ રડતા જોવા મળ્યા નથી. પરંતુ કેટલાક ઠગબાજો દ્વારા આ વીડિયોમાંથી પંકજા મુંડે રડતા હોય એ પ્રકારનો સ્ક્રીનશોટ લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
પંકજા મુંડેના આજ ફોટોને ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા ચૂંટણીમાં હારને લીધે પંકજા મુંડે રડી પડ્યાના દાવા સાથે પ્રસારિત પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમને એ જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચૂંટણી પરિણામ 24 ઓક્ટોમ્બર, 2019 ના રોજ આવ્યું હતું. જ્યારે પંકજા મુંડેનો આ વીડિયો 20 ઓક્ટોમ્બર, 2019 ના રોજનો છે. તેથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલો પંકજા મુંડે ચૂંટણીમાં હાર બાદ રડી પડ્યા હોવાનો દાવો ખોટો સાબિત થાય છે.

navbharattimes.indiatimes.com | Archive
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પંકજા મુંડેનો આ ફોટો ટીવી9 મરાઠી દ્વારા લેવાયેલા ઈન્ટરવ્યૂનો છે, જેમાં તેઓ ક્યાંય પણ રડ્યા નથી. તેમજ આ ફોટો ચૂંટણી પરિણામ પહેલાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પંકજા મુંડેનો આ ફોટો ચૂંટમી પરિણામ પહેલાનો છે અને એ પણ ટીવી9 મરાઠી સાથેની વાતચીત દરમિયાનના વીડિયોનો સ્ક્રીનશોટ છે. જેમાં પંકજા મુંડે ક્યાંય પણ રડ્યા નથી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર ચૂંટણી હારી ગયા પછી પંકજા મુંડે ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
