
તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે AAP નેતા ગોપાલ ઈટાલિયાને ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ માફી માંગવાનું કહી રહેલા ગુજરાતના એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચૂંટણી સમયે જ ગોપાલ ઈટાલિયાને હિંદુ ધર્મનું અપમાન કરવા બદલ ધમકી આપી રહેલા યુવાનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 નો છે. જ્યારે AAP નેતા ગોપાલ ઈટાલિયાને ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ માફી માંગવાનું યુવક દ્વારા કહેવામાં આવ્યું હતું. આ વીડિયોને ગુજરાતની તાજેતરની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Chuntli Express – ચૂંટલી એક્સપ્રેસ નામના ફેસબુક પેજ દ્વારા 20 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ચૂંટણી ટાણે જ મરદ યુવાને ધર્મ વિરોધી ગોપાલને ફેંક્યો પડકાર. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચૂંટણી સમયે જ ગોપાલ ઈટાલિયાને હિંદુ ધર્મનું અપમાન કરવા બદલ ધમકી આપી રહેલા યુવાનનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Dr Niket K Acharya દ્વારા તેમના ફેસબુક પર 25 જૂન, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતા. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, #ગોપાલ #ઇટાલિયા #આમ #આદમી #પાર્ટી ના #અધ્યક્ષને #ચીમકી…. જો માફી નહીં તો કાયદેસરની કાર્યવાહી કરશે… સાથે આમ આદમી પાર્ટી ના પદાધિકારીઓ ને વિનંતી પણ કરવામાં આવી.. જો ૨૭/૦૬/૨૦૨૧ – રવિવાર સુધીમાં નિર્ણય ના લે તો આમ આદમી પાર્ટી હિન્દુ વિરોધી હશે એ પણ સાબિત થશે…
.
આ વીડિયો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં AAP નેતા ગોપાલ ઈટાલિયાને માફી માંગવાનું કહી રહેલા યુવકનું નામ ડૉ. નિકેત આચાર્ય છે. ત્યાર બાદ અમે નિકેત આચાર્યનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો મારો જ છે પરંતુ આ વીડિયો તાજેતરનો નથી. આ વીડિયો એક વર્ષ જૂનો છે. જ્યારે મેં ગોપાલ ઈટાલિયાને હિંદુ ધર્મનું અપમાન કરવા બદલ તમામ હિંદુ ધર્મની માફી માંગવાનું કહ્યું હતું ત્યાર બાદ આ વીડિયોના ચારથી પાંચ દિવસ બાદ ગોપાલ ઈટાલિયાએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા માફી પણ માંગી હતી.”
વધુમાં તેઓએ અમને એ પણ જણાવ્યું હતું કે, “આ પોસ્ટના કોમેન્ટમાં મેં આ વીડિયો જૂનો હોવાની સ્પષ્ટતા કરી છે તેમજ ગોપાલ ઈટાલિયા દ્વારા માફી માંગવામાં આવી હતી એ લિંક પણ મૂકેલી છે.”

AAP નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા 29 જૂન, 2021 ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા માફી માંગવામાં આવી હતી. એ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 નો છે. જ્યારે AAP નેતા ગોપાલ ઈટાલિયાને ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ માફી માંગવાનું યુવક દ્વારા કહેવામાં આવ્યું હતું. આ વીડિયોને ગુજરાતની તાજેતરની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી.

Title:જાણો ભગવાન શ્રીરામનું અપમાન કરવા બદલ AAP નેતા ગોપાલ ઈટાલિયાને માફી માંગવાનું કહી રહેલા યુવાનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Missing Context
