
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના મહામારીના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ પોતે જ માસ્ક નથી પહેરતા અને લોકો પાસેથી દંડની વસૂલાત કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ માર્ચ 2018 માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં સર્જાયેલા પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે યોજાયેલી હાઈલેવલ મિટીંગનો છે. આ ફોટોને કોરોના મહામારી સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 22 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જે પોતે જ માસ્ક નથી પહેરતા એ જ મોદી સરકાર માસ્ક નો જનતા પાસેથી 1000 નો દંડ લે છે.. છે ને વિકાસ ??. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના મંત્રીઓ તેમજ અધિકારીઓ પોતે જ માસ્ક નથી પહેરતા અને લોકો પાસેથી દંડની વસૂલાત કરે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને dnaindia.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 4 માર્ચ, 2018 ના રોજ તેમના પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં પ્રાપ્ત થયો હતો. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો વર્ષ 2018 માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં સર્જાયેલા પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે યોજાયેલી હાઈલેવલ મિટીંગનો છે.
હવે એ જાણવું જરૂરી હતું કે, ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો?
ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ઝી 24 કલાક દ્વારા 18 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ 19 માર્ચ, 2020 ના રોજ નોંધાયો હતો. બીબીસી ગુજરાતી દ્વારા પણ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કોરોના મહામારી પહેલાંનો છે જેને માસ્ક પહેરવા સાથે કોઈ જ સંબંધ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ માર્ચ 2018 માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને રાજ્યમાં સર્જાયેલા પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધીનગર ખાતે યોજાયેલી હાઈલેવલ મિટીંગનો છે. આ ફોટોને કોરોના મહામારી સાથે કોઈ સંબંધ નથી.

Title:વર્ષ 2018 માં મળેલી ગુજરાત સરકારની મિટીંગનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
