
Aazad Nilesh Arvadiya નામના ફેસબુક યુઝર દ્વારા 20 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ટ્રાફિકના નવા કાયદાનુ રિઝલ્ટ આવવાનું શરૂ થઈ ગયુ છે…તમારા ઘર ની પ્રતિષ્ઠીત લેડિઝ ની પર હાથ ઉઠસે તો તમને કેવુ લાગશે*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ પોલીસ અને મહિલા વચ્ચે થયેલી મારામારીનો આ વીડિયો છે. આ પોસ્ટને 3800 થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 600 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 11000 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર આ પ્રકારે ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ પોલીસ અને મહિલા વચ્ચે છૂટ્ટાહાથની મારામારી થઈ હોય અને વીડિયો વાયરલ થયો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના એક સ્ક્રીનશોટને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને hindi.news18.com દ્વારા 29 જૂન, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરાખંડના હલ્દવાનીના લાલકુઆ બજારમાં એક મહિલા દ્વારા બજારમાં હંગામો કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જ્યારે આ મહિલાને રોકવાની કોશિશ કરી તો તેણે પોલીસ પર પણ ચપ્પલ વડે હુમલો કર્યો હતો અને મહિલા પોલીસકર્મીને માર મારવા લાગી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને News24 દ્વારા 30 જૂન, 2017 ના રોજ આ સમાચારને યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દેશમાં નવા ટ્રાફિકના નિયમો 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ લાગુ થયા. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં બનેલી ઘટના 30 જૂન, 2017 ના રોજની છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દેશમાં નવા ટ્રાફિકના નિયમો 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ લાગુ થયા. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં બનેલી ઘટના 30 જૂન, 2017 ના રોજની છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
