
જય જય સરદાર નામના ફેસબુક યુઝર દ્વારા 18 ડિસેમ્બર,2019 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કાલે વારાણસી મા મોદી ગબડીયો ને આજે ઝારખંડ મા અમિત શાહ લપસ્યો, લાગે છે કે હવે. ભાજપ ગગડવાની તૈયારી માં છે. આ પોસ્ટમાં બે દાવા કરવામાં આવ્યા છે. એક દાવો એ કે નરેન્દ્ર મોદી વારાણસી ખાતે પડી ગયા અને બીજો દાવો એ કે આજે ઝારખંડમાં અમિત શાહ પણ પડી ગયા તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 220 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 9 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 717 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા પ્રથમ દાવા મુજબ તાજેતરમાં નરન્દ્ર મોદી વારાણસી ખાતે પડી ગયા હતા કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને જનસત્તા દ્વારા 18 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 14 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રધાનમંત્રી મોદી નમામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત યોજાયેલી રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠકમાં હાજરી આપવા માટે ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે પહોંચ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પરિયોજનોનું નિરીક્ષણ કરતા નરેન્દ્ર મોદી ગંગા બેરેજના અટલ ઘાટ પર તેમનો પગ લપસતાં સીડીઓ પર પડી ગયા હતા. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આ પરથી પોસ્ટમાં કરવામાં આવેલો પ્રથમ દાવો સ્પૂર્ણપણ ખોટો સાબિત થાય છે કારણ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી ખાતે નહીં પરંતુ કાનપુર ખાતે પડી ગયા હતા. અન્ય કેટલાક મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. inkhabar.com | Archive | lokmatnews.in | Archive
ત્યાર બાદ પોસ્ટમાં કરવામાં આવેલા બીજા દાવા મુજબ પોસ્ટના લખાણ પ્રમાણે આજ રોજ એટલે કે 18 ડિસેમ્બર, 2019 ના રોજ અમિત શાહ ઝારખંડ ખાતે પડી ગયા તેનો વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવ્યો છે એવો દાવો કરવામાં આવ્યો છે. તેથી અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને news18.com દ્વારા 24 નવેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2018 માં મધ્યપ્રદેશમાં એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહનો પગ લપસી જવાની ઘટના બની હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને YOYO TV Channel દ્વારા તેના ઓફિશિયલ યુટ્યુબ પર પણ 24 નવેમ્બર, 2018 ના રોજ અમિત શાહ મધ્યપ્રદેશમાં ચૂંટમી રેલી દરમિયાન પડી ગયા હતા તેનો વીડિયો દર્શાવવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા બંને દાવા ખોટા સાબિત થાય છે. જેમાં નરેન્દ્ર મોદી વારાણસી ખાતે નહીં પરંતુ કાનપુર ખાતે પડી ગયા હતા. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં મધ્યપ્રદેશ ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહ પડી ગયા ત્યારનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમિત શાહની ઝારખંડ રેલીનો નહીં પરંતુ વર્ષ 2018 માં મધ્યપ્રદેશ ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહ પડી ગયા ત્યારનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:વર્ષ 2018 માં મધ્યપ્રદેશ ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન અમિત શાહ પડી ગયાનો વીડિયો ઝારખંડના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
