
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને જાહેરમાં પબ્લિક મારતી જોઈ શકાય છે જ્યારે એક યુવતીને પણ જોઈ શકાય છે કે જેના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે. “વિડિયોમાં જે યુવાનને માર મારવામાં આવી રહ્યો છે તે યુવાન મુસ્લિમ છે. તેણે હિન્દુ યુવતી પર ચાકુ વડે હુમલો કર્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતા યુવક-યુવતી બંને હિન્દુ જ છે. આ ઘટના લવજેહાદ સાથે કોઈ લેવા દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં જે યુવાનને માર મારવામાં આવી રહ્યો છે તે યુવાન મુસ્લિમ છે. તેણે હિન્દુ યુવતી પર ચાકુ વડે હુમલો કર્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઝારખંડમિરરન્યુઝ ના ફેસબુક પેજ પર આ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ યુવતી અને યુવાનનો ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “રાંચીના પિથોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારની પતરાતુ ખીણમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા માર્યા હતા. છોકરીના ગળામાં ઈજા પહોચી હતી. જો કે છોકરી ખતરાની બહાર છે. વાત પ્રેમ પ્રકરણની છે. છોકરા અને છોકરીના સંબંધીઓ પિથોરિયા પોલીસ સ્ટેશનમાં હાજર હતા.”
ઉપરોક્ત ક્લુના આધારે સર્ચ કરતા અમને ઇટીવી ભારતનો 16 સપ્ટેમ્બર 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર આ યુવાનનું નામ અરવિંદ છે અને તેની પ્રેમિકાની બેવફાઈના કારણે તેને હુમલો કર્યો હતો.

તેમજ અમને એશિયાનેટન્યુઝ દ્વારા પણ 16 સપ્ટેમ્બર 2019ના પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર આ યુવકનું નામ અરવિંદ કુમાર છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ અંગે ઇન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, “ઝારખંડના લતેહાર જિલ્લાના ચાંદવાના રહેવાસી અરવિંદ કુમાર રાંચીમાં રહીને તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માંગતો હતો. જ્યારે છોકરીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી ત્યારે અરવિંદ આ સહન કરી શક્યો નહીં.”
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ પિથોરિયા પોલીસ સ્ટેશનના SHO વિનય કુમારનો સંપર્ક કર્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ઘટના વર્ષ 2019ની છે અને આ ઘટના સાથે કોમવાદનો કોઈ સંબંધ નથી. આ લવજેહાદનો કેસ નથી. આ કિસ્સામાં સંબંધિત આરોપી (છોકરો) મુસ્લિમ નથી. વિડિયોમાં દેખાતા છોકરાને વિડિયોમાં જોયેલી છોકરી પસંદ આવી. દુર્ભાવનાપૂર્ણ ઇરાદા સાથે, અરવિંદ છોકરીને ડેટ માટે મનાવે છે, તેઓ પિથોરિયા વેલી જાય છે અચાનક, અરવિંદ એક બહાને છોકરીને છોડી દે છે. જ્યારે અરવિંદ થોડા સમય માટે પાછો ન આવ્યો ત્યારે યુવતી તેને શોધવા ગઈ હતી. પરંતુ જે ક્ષણે તે વિસ્તારના એકાંત સ્થળે પહોંચી, અરવિંદે તિક્ષ્ણ હથિયાર વડે યુવતી પર હુમલો કર્યો. જ્યારે છોકરીએ હંગામો મચાવ્યો ત્યારે આસપાસના લોકો ભેગા થયા અને છોકરાને માર માર્યો. આ વિડિયો હાલમાં લવ જેહાદ સાથે જોડીને ખોટી વિગતો આપીને ફેલાવવામાં આવી રહ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતા યુવક-યુવતી બંને હિન્દુ જ છે. આ ઘટના લવજેહાદ સાથે કોઈ લેવા દેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Title:રાંચીની વર્ષ 2019ની ઘટનાને સાંપ્રદાયિક સાથે જોડી શેર કરવામાં આવી રહી….
Fact Check By: Yogesh KariaResult: False
