
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડ્યા હોવાના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલમાં ચાલી રહેલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડવામાં આવ્યા તેના આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનના લોકો દ્વારા ટીવી ફોડવામાં આવ્યા હોવાના જે ફોટો મૂકવામાં આવ્યા છે એ હાલના નહીં પરંતુ જૂના છે. જેમાં એક ફોટો પાકિસ્તાનનો અને એક ફોટો ભારતમાં બનેલી ઘટનાનો છે. આ ફોટોને તાજેતરમાં ચાલી રહેલા એશિયા કપ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને ભ્રામક રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ankit Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા 28 ઓગષ્ટ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Breaking News પાકિસ્તાનમાં ટીવી ફોડવાનું ચાલુ…. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલમાં ચાલી રહેલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં લોકો દ્વારા ટીવી ફોડવામાં આવ્યા તેના આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા પ્રથમ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ABP News દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર આજ ફોટો 21 માર્ચ, 2016 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2016 માં રમાયેલા ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને પરાજય આફતાં પાકિસ્તાન ખાતે તેના ચાહકો દ્વારા ટીવી તોડવામાં આવ્યા હતા ત્યારનો આ ફોટો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. english.tupaki.com | khaleejtimes.com
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા બીજા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આ ફોટો crictracker.com દ્વારા 19 જૂન, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 2017 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની મેચમાં પાકિસ્તાને ભારતને હરાવતાં અમદાવાદના પાલડી વિસ્તારમાં ભારતીય ટીમના ચાહકોએ ટીવી સેટ તોડ્યા તેનો આ ફોટો છે.

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર અને ટ્વિટ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Tweet 1 | Tweet 2
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ બંને ફોટો જૂની ઘટનાઓના છે. જેમાં એક ફોટો પાકિસ્તાનનો અને એક ફોટો ભારતમાં બનેલી ઘટનાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાકિસ્તાનના લોકો દ્વારા ટીવી ફોડવામાં આવ્યા હોવાના જે ફોટો મૂકવામાં આવ્યા છે એ હાલના નહીં પરંતુ જૂના છે. જેમાં એક ફોટો પાકિસ્તાનનો અને એક ફોટો ભારતમાં બનેલી ઘટનાનો છે. આ ફોટોને તાજેતરમાં ચાલી રહેલા એશિયા કપ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવતાં પાકિસ્તાનમાં ટીવી ફોડવામાં આવ્યા… જાણો શુ છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
