
તાલિબાને કાબુલ પર કબ્જો કર્યા પછી, તાલિબાન અને અફઘાનિસ્તાનની હાલની સ્થિતિના સંબંધમાં વિવિધ સોશિયલ મિડિયા પોસ્ટ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે. આવો જ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક સશસ્ત્ર માણસો અમુક પ્રકારની ઉજવણી સાથે નૃત્ય કરતા જોવામાં આવે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે “વિડિયોમાં દેખાતા માણસો તાલિબાની આતંકવાદીઓ છે જે કાબુલ પર કબજો કર્યા બાદ ઉજવણી કરી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ 19 માર્ચ 2021નો પાકિસ્તાનનો વિડિયો છે. પાકિસ્તાનના સરવાર કિટકી ગામમાં રફિદ ઉલ્લાહ ખાનના લગ્ન દરમિયાન તેમના મિત્ર દ્વારા આ ડાન્સ કરવામાં આવ્યો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Mahobatsinh D Rajput નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વિડિયોમાં દેખાતા માણસો તાલિબાની આતંકવાદીઓ છે જે કાબુલ પર કબજો કર્યા બાદ ઉજવણી કરી રહ્યા છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો 4 મહિના પહેલા એપ્રિલ મહિનામાં ઇન્સ્ટ્રાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે એક કીવર્ડ સાથે સર્ચ કરતા જાણવા મળ્યું કે, આ જ વિડિયો 25 માર્ચ, 2021ના રોજ કૈસર ખાન નામની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો અને તેને અત્યાર સુધીમાં લગભગ 52 હજાર વ્યૂઝ મળ્યા છે. કેપ્શન અને વિડીયોના વર્ણનમાં, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે વાસ્તવમાં લગ્નની ઉજવણી દરમિયાન પઠાણના નૃત્યનો છે.
તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, કેટલાક વિડિયોના કેપ્શનમાં ‘Bannu’ નો ઉલ્લેખ છે, જે પાકિસ્તાનના એક શહેર અને જિલ્લાનું નામ છે. કેટલીક પોસ્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો ત્યાના લગ્નનો છે.
તેમજ પાકિસ્તાની પત્રકાર ઇફ્તિકાર ફિરદોઝ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટીવીનાઈન ભારત વર્ષના બુલેટિયનને શેર કરી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “અવિશ્વસનીય એક ભારતીય ચેનલ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં લગ્નનો વાયરલ વિડિયો બતાવી રહી છે. જે લગ્નમાં નર્તકો માસ્કરેડીંગ કરી રહ્યા છે. એન્કર તેમને બતાવી રહ્યું છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં મેદાન પર કબજો મેળવવાની ઉજવણી કરે છે. આ નેક્સ્ટ લેવલ બુલશીટ છે.”
ત્યારબાદ અમે આ ક્લુના આધારે વાયરલ વિડિયોમાં જોવા મળતા વ્યક્તિને ફેસબુક પર શોધી કાઢ્યો હતો. જેનું નામ Wahab Pukhtoon છે. જે બાદ અમે તેમનો સંપર્ક સાધ્યો હતો.
વહાબ દ્વારા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયોમાં તે તથા તેમના મિત્રો છે. આ વિડિયો 19 માર્ચ 2021ની છે. પાકિસ્તાનના સરવાર કિટકી ગામમાં તેમના મિત્ર રફિદ ઉલ્લાહ ખાનના લગ્ન દરમિયાન તેમના તથા તેમના મિત્ર દ્વારા આ ડાન્સ કરવામાં આવ્યો હતો.”
વહાબ દ્વારા આ લગ્ન દરમિયાનનો જ તેમના મિત્રના ગ્રુપનો એક ફોટો પણ અમને મોકલાવ્યો હતો. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે. કે, “વાયરલ વિડિયો માંના યુવકો જ આ વિડિયોમાં છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ 19 માર્ચ 2021નો પાકિસ્તાનનો વિડિયો છે. પાકિસ્તાનના સરવાર કિટકી ગામમાં રફિદ ઉલ્લાહ ખાનના લગ્ન દરમિયાન તેમના મિત્ર દ્વારા આ ડાન્સ કરવામાં આવ્યો હતો.

Title:શું ખરેખર તાલિબાન દ્વારા ઉજવણી કરવામાં આવી તેનો વિડિયો છે…?
Fact Check By: Yogesh KariaResult: False
