ગુજરાત સરકાર દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ગેસ સિલિન્ડર ગુજરાતમાં 909 થી 930 રૂપિયા જ મળી રહ્યો છે.

હાલમાં જ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપા દ્વારા પાંચ વર્ષ બાદ ફરી સત્તાની ડોર સંભાળવવામાં આવી છે. ત્યારે તેમણે કરેલા વાયદા મુજબ રાજસ્થાનની જનતાને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યુ હતુ. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે, “ગુજરાતની જનતાને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતની જનતાને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તેમજ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણામો પરથી અમને ગુજરાત તક દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુજરાતમાં પણ 450 રૂપિયામાં લોકોને ગેસ સિલિન્ડર આપવા માટે આમ આદમી દ્વારા રાજ્યમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ઝી 24કલાકનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “હવે ગુજરાત પણ રાજસ્થાનના પગલે ચાલશે. ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસનું સિલિન્ડર મળશે. આ અંગે બજેટમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. બીપીએલ કાર્ડ ધારકો અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે.”

તેમજ ગુજરાતના તમામ શહેરમાં 909 થી લઈ 930 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે. જે તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.
તેમજ અમે ગેસ એજન્સી ધરાવતા માલિક સાથે પણ આ અંગે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ વાત તદ્દન ખોટી છે. હાલમાં આ પ્રકારે કોઈ જાણ તેમને કરવામાં આવી નથી. હાલમાં તેઓ 930 રૂપિયા માં જ ગેસ સિલિન્ડરની ડિલવરી કરી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગુજરાતમાં ગેસ સિલિન્ડર 450 રૂપિયામાં આપવામાં આવી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં 450 રૂપિયા આપવાની વાત તદ્દન ભ્રામક છે. હાલમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે તેવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
