શું ખરેખર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉન્નાવ ખાતે ભીડ વગર જ હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હલાવીને અભિવાદન કરી રહેલો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાની ભીડ ન હોવા છતાં હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવમાં બેરિકેડ્સની પાછળ ટેરેસ પર ઉભેલા લોકોની ભીડ જોઈ શકાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

A Z  A  D ツ નામના ફેસબુક યુઝર દ્વારા 21 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કરોડોની સંખ્યામાં લોકો ઊભા છે..મેં મારી જીંદગીમાં આટલી ભીડ નથી જોઈ.. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ઉન્નાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનતાની ભીડ ન હોવા છતાં હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો NDTV દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 20 ફેબ્રુઆરી, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલી માટે પહોંચ્યા તે સમયનો આ વીડિયો છે.

વાયરલ વીડિયો ખૂબ જ નબળી ગુણવત્તાનો અને કંઈક અંશે ઝાંખો છે. એનડીટીવીનો વીડિયો એક સ્પષ્ટ સંસ્કરણવાળો છે જેમાં હેલિકોપ્ટર જ્યાં ઉતર્યું હતું તે ક્ષેત્રની નજીક સેંકડો લોકો ઉભેલા જોઈ શકાય છે. આ વીડિયોમાં લોકો બેરિકેડ્સની પાછળ અને તેમના ટેરેસ પર ઉભા રહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે.

અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા ટ્વિટર પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવું લખવામાં આવ્યું છે કે, “ઉન્નાવમાં PM નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકો હેલિપેડની નજીક ટેરેસ અને ઈમારતો પર ઉમટી પડ્યા છે. આ વીડિયોમાં આપણે મેદાનમાં હાજર ભીડને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અસ્પષ્ટ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

નીચે તમે બેરિકેડ્સની પાછળ અને ટેરેસ પર ઉભેલી લોકોની ભીડને સ્પષ્ટપણે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. વાસ્તવમાં બેરિકેડ્સની પાછળ ટેરેસ પર ઉભેલા લોકોની ભીડ જોઈ શકાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉન્નાવ ખાતે ભીડ વગર જ હાથ હલાવીને અભિવાદન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False