
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બેસ્ટ ફિલ્મ માટે હાલમાં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ આપવામાં આવેલ છે. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારત સરકાર દ્વારા ફિલ્મ નિર્માતા દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં યોગદાનની યાદમાં આપવામાં આવે છે. જ્યારે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ એક સ્વતંત્ર સંસ્થા છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jain World News નામના ફેસબુક યુઝર દ્વારા 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને મળ્યો દાદા સાહેબ ફાળકે બેસ્ટ ફિલ્મ એવોર્ડ. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલ પર સર્ચ કરતાં અમને ટીવી9 ગુજરાતી દ્વારા 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દેશનો સર્વોચ્ચ એવોર્ડ દાદા સાહેબ ફાળકે મળ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

અન્ય કેટલાક સમાચારોમાં પણ આજ માહિતી આપવામાં આવી હતી. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | gujarati.opindia.com
હવે એ જાણવું ખૂબ જ જરુરી હતું કે, શું ખરેખર ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ભારત સરકાર દ્વારા ફિલ્મક્ષેત્રે આપવામાં આવતો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો છે કે કેમ?
આ માટે અમને એ જાણવાની કોશિશ કરી કે, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર શું છે? તો અમને માલૂમ પડ્યું કે, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સૌપ્રથમ 1969માં ભારત સરકાર દ્વારા ફિલ્મ નિર્માતા દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં યોગદાનની યાદમાં આપવામાં આવ્યો હતો. દાદા સાહેબ ફાળકેએ 1913માં ભારતની પ્રથમ ફીચર ફિલ્મ, રાજા હરિશ્ચંદ્રનું દિગ્દર્શન કર્યું હતું. જેને કારણે ત્યારથી માંડીને આજ દિન સુધી આ એવોર્ડ ભારતીય સિનેમામાં એક ઉત્કૃષ્ટ યોગદાન આપનારને આપવામાં આવે છે.
આ એવોર્ડ માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવતા ફિલ્મ ફેસ્ટિવલ નિર્દેશાલય દ્વારા આપવામાં આવે છે. જેની સત્તાવાર વેબસાઈટ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એવોર્ડમાં સ્વર્ણ કમલ (ગોલ્ડન લોટસ) મેડલિયન, એક શાલ અને 10 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. બોલિવૂડ એક્ટરે શેર કરેલા ફોટોમાં પણ એ જોઈ શકાય છે. ભારત સરકાર દ્વારા ફિલ્મ ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ આપવામાં આવતા દાદા સાહેબ ફાળકે અંગે તેની સત્તાવાર વેબસાઈટ પર ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને આ એવોર્ડ પ્રાપ્ત થયો હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
27 ડિસેમ્બર, 2022 ના રોજ ન્યૂઝ ઓન એરમાં પ્રકાશિત સમાચાર અનુસાર, પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખને દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2020 એનાયત કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે માહિતી આપી છે. આશા પારેખને આ સન્માન દિલ્હીમાં યોજાનાર નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે.

21 ફેબ્રુઆરી, 2023ના રોજ જનસત્તામાં પ્રકાશિત અહેવાલ મુજબ દાદાસાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખર પુસલકરે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર દેશમાં સિનેમા માટેનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય સન્માન છે. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ દ્વારા તાજેતરમાં મુંબઈમાં એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. બંને પુરસ્કારો વચ્ચે ઘણો તફાવત છે. તેમનો આરોપ છે કે, આ સંસ્થા પૈસા લઈને એવોર્ડ આપી રહી છે.
અમારી વધુ તપાસમાં અમને આજ તક દ્વારા 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દાદા સાહેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલ 2023 નો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
હવે એ પણ જાણવું જરુરી હતું કે, દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ શું છે?
દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (DPIFF) ની સ્થાપના 2012 માં દાદાસાહેબ ફાળકેના વારસાને આગળ વધારવા માટે કરવામાં આવી હતી. DPIFF વેબસાઈટ અનુસાર, તે ભારતનો “સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ” છે. આ ફેસ્ટિવલની સ્થાપના અનિલ મિશ્રા દ્વારા કરવામાં આવી હતી, જેઓ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્ય કરે છે. તેઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન હેઠળ સલાહકાર પેનલ તરીકે પણ સેવા આપી રહ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બેસ્ટ ફિલ્મ માટે હાલમાં દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ આપવામાં આવેલ છે. દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ભારત સરકાર દ્વારા ફિલ્મ નિર્માતા દાદાસાહેબ ફાળકેના ભારતીય સિનેમામાં યોગદાનની યાદમાં આપવામાં આવે છે. જ્યારે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ એક સ્વતંત્ર સંસ્થા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હોવાની માહિતીનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
