
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના સદાબહાર ગીતોના લેખક સંતોષ આનંદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બોલીવુડના સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલા લેખક સંતોષ આનંદના વીડિયો સાથે જે દાવો કરવામાં આવી રહ્યો છે એ દાવાને ખુદ લેખક સંતોષ આનંદ દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે. તેમના આ વીડિયોને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 17 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,
*👉ખાસ ખાસ ટાઈમ કાઢીને જોશો નામ*
*હોદ્દો*
*પૈસા*
*સામાજિક સ્ટેટસ……..!*
*કાયમ રહેતા નથી*
*પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે….. તેનો લાઇવ દાખલો એટલે એક સમયના બેતાજ બાદશાહ કૅ જેના નામથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં બોલબાલા હતી……*
*અને અત્યારે……?*
*વધુમાટે આ વિડીઓ અચૂક જુઓ તમે પણ 👉 ધ્રુસકે ધ્રુસકે રડી જશો..!*
*શીખ :- ક્યારે પણ કોઇપણ સંસારી અવસ્થાનો અહમ્ ન કરશો, વિનમ્ર બનજો…!*
*(આંબાના વૃક્ષની જેમ, ફળ આવતા નમી જાય…!)*
*દરેક અવસ્થા નાશવંત છે, આપણે તો અહમ્ ને મિટાવીને અર્હમ (અરિહંત/સિધ્ધ) બનવાનું છે, તે લક્ષમાં રાખશો…!*.
પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બોલીવુડના સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં લેખક સંતાષ આનંદે ક્યાંય પણ પોતે આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને જીવી રહ્યા છે એવું કહ્યું નથી. વીડિયોમાં નેહા કક્કર દ્વારા તેમને 5 લાખ રુપિયા આપવાની વાત કરવામાં આવી ત્યારે તેઓએ એવું કહ્યું હતું કે, “હું એ નહીં લઉં કારણ કે, મેં અત્યાર સુધી ક્યારેય કોઈના પાસે કંઈ માંગ્યું નથી. હું સ્વાભિમાની માણસ છું.”
ત્યાર બાદ નેહા કક્કર દ્વારા રડતાં રડતાં એવું કહેવામાં આવ્યું કે, તમને આ 5 લાખ રુપિયા તમારી પૌત્રી આપી રહી છે એમ માનીને સ્વીકારી લો. તો પછી સંતોષ આનંદ દ્વારા એ સ્વીકારવામાં આવ્યા હતા.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને
Santosh Anand ના ફેસબુક પેજ પર અમને 22 ફેબ્રુઆરી, 2021 ના રોજ અપલોડ કરવામાં આવેલો એક લાઈવ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં તેઓ તેમને ઈન્ડિયન આઈડલમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમના વાયરલ થયેલા વીડિયો અંગેની વાત કરે છે. આ વીડિયોમાં 4.30 મિનિટ પછી એક પત્રકાર ચંદર મૌલી લેખક સંતોષ આનંદને પૂછી રહ્યા છે કે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, તમારી હાલની પરિસ્થિતિ આર્થિક રીતે નબળી ચાલી રહી છે. ત્યારે તેના જવાબમાં સંતોષ આનંદે કહ્યું હતું કે, “મારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાની માહિતી ખોટી છે. હું જ્યારે ઈન્ડિયન આઈડલમાં ગયો ત્યારે ત્યાં સ્ટેજ પર નેહા કક્કરે મને 5 લાખ રુપિયા આપવાની વાત કરી ત્યારે મેં કહ્યું હતું કે, મેં આજ સુધી કોઈ પાસે ક્યારેય કંઈ માગ્યું નથી. પરંતુ નેહાએ લાગણીવશ થઈને રડતાં રડતાં મને એ પૈસા મારી જ પૌત્રી આપી રહી હોવાનું કહેતાં મેં એનો સ્વીકાર કર્યો હતો.”
પત્રકાર ચંદર મૌલી દ્વારા પણ તેમણે લીધેલા લેખક સંતોષ આનંદના ઈન્ટરવ્યૂને 22 ફેબ્રુઆરી, 2021 ના રોજ ફેસબુક પર લાઈવ કરવામાં આવ્યું હતું.
અમારી વધુ તપાસમાં અમને બોલીવુડના ગીતકાર મનોજ મુંતશીર દ્વારા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં એવું લખેલું હતું કે, “સોશિયલ મીડિયા ખબરોને વેચવા માટે આટલી હદે નીચું જશે એ શરમની વાત છે. એક લેખકના સ્વાભિમાનની ધજ્જિયાં ઉડાવી દીધી. સંતોષ આનંદ એક સારી, સુખી અને સાર્થક જીંદગી જીવી રહ્યા છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથે હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા લેખક સંતોષ આનંદના વીડિયો સાથે જે દાવો કરવામાં આવી રહ્યો છે એ દાવાને ખુદ લેખક સંતોષ આનંદ દ્વારા ખોટો ગણાવવામાં આવ્યો છે. તેમના આ વીડિયોને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:શું ખરેખર સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ હાલમાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
