પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દર મહિને 3000 રૂપિયા મળતા હોવાની ભ્રામક માહિતી વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દરેક મહિને 3000 રૂપિયા મળવાપાત્ર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Viral Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 26 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દરેક મહિને 3000 રૂપિયા મળવાપાત્ર છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને khedut.club નામની વેબસાઈટ પરથી એ માલૂમ પડ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019 માં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમરે 3000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. જો કોઈ સંજોગોમાં ખેડૂતનું મૃત્યુ થાય તો તેમની પત્નીને 1500 રૂપિયા પેન્શન મળશે.
આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે અમે ગ્રામ્યકક્ષાએ ગ્રામસેવક (ખેતી) સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષના ખેડૂતોને જ મળે છે. તેમાં ઉંમર પ્રમાણે પ્રિમિયમની રકમ ભરવાની હોય છે. જે ખેડૂતે 60 વર્ષની ઉંમર સુધી સમયસર પ્રિમિયમની રકમ ભરી હોય તેને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.”
વધુમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી લિંકમાં મૂકવામાં આવેલા આર્ટિકલમાં પણ આજ માહિતી આપી હોવાનું જાણવા મળ્યું હતું. જેના પરથી એવું કહી શકાય કે આ પોસ્ટનું શીર્ષક લોકોને ગેરમાર્ગે દોરનારું છે.
વધુમાં અમને PIB Fact Check એટલે કે સરકાર દ્વારા પણ આ પ્રકારની કોઈ યોજના અંતર્ગત સરકાર 3000 રૂપિયા આપતી હોવાની માહિતીને ખોટી ગણાવવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ભ્રામક સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દરેક ખેડૂત કે લોકોને દર મહિને 3000 રૂપિયા મળતા હોવાની માહિતી ખોટી છે. આ યોજનાનો લાભ 18 થી 40 વર્ષના ખેડૂતોને જ મળે છે અને એ પણ 60 વર્ષ સુધી પ્રિમિયમની રકમ ભરી હોય તોજ તેમને મહિને 3000 રૂપિયાના પેન્શનનો લાભ મળે છે.
Title:પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના અંતર્ગત દર મહિને 3000 રૂપિયા મળતા હોવાની ભ્રામક માહિતી વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: False Headline