
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે તેના માટેની વેક્સિનને લગતા સમાચારોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. આ બદાની વચ્ચે સોશિયલ મીડિયા પર કોરોનાની વેક્સિનને લગતી માહિતી વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુકેમાં વેક્સિનેશનના પહેલા જ દિવસે કોરોના વેક્સિન લીધા બાદ બે લોકોના મોત થયા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે યુકેમાં જે બે લોકોના મોતના સમાચાર વાયરલ થઈ રહ્યા છે એ બંનેને વેક્સિન લીધા બાદ એલર્જી થઈ હતી અને હાલમાં તે બંને સ્વસ્થ છે તેમના મોતની માહિતી તદ્દન ખોટી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal નામના ફેસબુક પેજ દ્વારા 11 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા આર્ટિકલના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુકેમાં વેક્સિનેશનના પહેલા જ દિવસે કોરોના વેક્સિન લીધા બાદ બે લોકોના મોત થયા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, યુકેમાં કોરોના વાયરસ માટેના વેક્સિનેશન બાદ બે લોકોને એલર્જી થઈ હતી. પરંતુ તેમના મોત નથી થયા.
બીબીસીના એક અહેવાલ પ્રમાણે યુકેમાં કોરોનાના રસીકરણ બાદ બે NHS કર્મચારીઓને એનાફિલેક્ટોઈડ પ્રકારની એલર્જી થઈ હતી. જેમાં ત્વચા પર ફોલ્લીઓ, શ્વાસની તકલીફ અને ક્યારેક બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. હાલમાં આ બંનેનું સ્વાસ્થ્ય સારું છે.
યુકેના NHS ના મેડિકલ ડાયરેક્ટર પ્રો. સ્ટિફન પોવીસે જણાવ્યું હતું કે, આ બંને વ્યક્તિને જૂની એલર્જી હતી. હાલમાં બંનેની તબિયત સારી છે.
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ એલર્જી ધરાવતા બંને NHS કર્મચારીઓની ઓળખ આપવામાં આવી નથી. વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે, જે લોકોને જૂની કોઈ એલર્જી હોય તો એ લોકોને કોરોનાની વેક્સિન આપવી નહીં.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, યુકેમાં કોરોના વેક્સિનને કારણે બે વ્યક્તિના મોત થયા હોવાની માહિતી ખોટી છે.
શું કોરોના વેક્સિનને કારણે અન્ય કોઈનું મોત થયું છે?
અમેરિકાએ કટોકટીમાં ઉપયોગ માટે ફાઇઝર-બાયોએનટેક કોરોનાવાયરસ રસીને પણ મંજૂરી આપી દીધી છે.
યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) ના અધિકૃતતા પછી, રસીના અંતિમ તબક્કાના ટ્રાયલ દરમિયાન છ લોકોના મોત થયાના સમાચાર પણ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. તે ઘણા લોકો માટે ચિંતાનું કારણ બન્યા છે.
આ તમામ લોકોના મોતને કોરોના વેક્સિન સાથે સાંકળતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે, આ છમાંથી ફક્ત બે જણાને જ રસી આપવામાં આવી હતી. આ મોત રસીને કારણે થયા હોવાનું માનવું એ યોગ્ય નથી.
એફડીએ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજો અનુસાર, એપ્રિલ અને નવેમ્બર દરમિયાન ફાઇઝર-બાયોએનટેક રસીના ક્લિનિકલ ટ્રાયલમાં કુલ 43,448 લોકોએ ભાગ લીધો છે.
તેમાંથી 29 એપ્રિલથી 14 નવેમ્બર સુધીમાં છ સહભાગીઓ મૃત્યુ પામ્યા હતા. જેમાં રસી જૂથના 2 સહભાગીઓ અને પ્લેસિબો જૂથના 4 સહભાગીઓ સામેલ હતા.
હવે જે બે લોકોએ રસી લીધી હતી તેમની ઉંમર 55 વર્ષથી ઉપર હતી. તેમાંથી એકને આર્ટિરોસ્ક્લેરોસિસનો SAE થયો હતો અને તે પ્રથમ ડોઝ લીધા બાદ 3 દિવસ પછી મૃત્યુ પામ્યો. જ્યારે બીજા વ્યક્તિને બીજા ડોઝના 60 દિવસ પછી હાર્ટ એટેક આવ્યો અને 3 દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.
એફડીએના રિપોર્ટ પ્રમાણે પરીક્ષણમાં જે મૃત્યુઆંક હતો એ સામાન્ય જનસંખ્યાના પ્રમાણ અનુસાર હતો. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે, રસીનો બીજો ડોઝ સલામત હોવાનું જાણવા મળ્યું છે. તેથી આ રસીને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ યુકેમાં કોરોનાની રસી લીધા બાદ NHS ના બે કર્મચારીઓને એલર્જી થઈ હતી તે બંનેની તબિયત સારી છે. તેમના મોત થયા હોવાની માહિતી તદ્દન ખોટી છે.

Title:યુકેમાં કોરોનાની વેક્સિન લીધા પછી બે વ્યક્તિના મોતની ખોટી માહિતી વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
