
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા સમાચાર ચેનલનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આપવામાં આવેલી માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, અમદાવાદમાં શુક્રવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે જે શનિવારે અને રવિવારે પણ એજ સમયે લાગુ થશે. અમદાવાદમાં સળંગ શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુની માહિતી તદ્દન ખોટી છે. સોશિયલ મીડિયા પર એબીપી અસ્મિતા સમાચાર ચેનલનો ગયા વર્ષનો સ્ક્રીનશોટ લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sitesh Desai નામના ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા એબીપી અસ્મિતા સમાચાર ચેનલના ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી……. એમ હોવું જોઈએ. જ્યારે ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને vtvgujarati.com દ્વારા 18 માર્ચ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદમાં રાત્રી કરફ્યુનો સમય વધારવામાં આવ્યો છે. રાત્રીના 9 વાગ્યા બાદ બહાર નીકળી શકાશે નહીં. અગાઉ 10 વાગ્યાથી કરફ્યુ લાગુ કર્યો હતો. પરંતુ વધતા કેસને લઈ કરફ્યુનો સમય 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. તો શની-રવિ માટે પણ કરફ્યુના નિયમ જાહેર કરાયા છે. શનિ-રવિના દિવસોમાં મોલ-સિનેમા બંધ રખાશે. અને ખાણી-પીણીના સ્થળ ઉપર પણ તંત્રની તાકતી નજર રહેશે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujarati.news18.com | gujarati.abplive.com
અમારી વધુ તપાસમાં અમને મદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમણને કારણે કર્ફયુ અંગેની ગાઈડલાઈન દર્શાવતો એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં પણ અમદાવાદમાં રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, શુક્રવાર, શનિવાર અને રવિવાર આ ત્રણ દિવસે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યુ રહેશે. તેમજ શનિવાર અને રવિવારે મોલ તેમજ સિનેમાઘરો બંધ રહેશે.
અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એબીપી અસ્મિતા સમાચાર ચેનલના સ્ક્રીનશોટને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ સમાચારના ફોટોમાં એબીપી અસ્મિતાનો જે લોગો દેખાઈ રહ્યો છે એ જૂનો છે એટલે કે આ સમાચાર પણ ગયા વર્ષે અમદાવાદમાં લાગુ કરવામાં આવેલા કરફ્યુના છે. હાલમાં એબીપી અસ્મિતા ચેનલનો લોગો બદલાઈ ગયો છે. આ બંને લોગો તમે નીચે જોઈ શકો છો.
જૂનો લોગો
નવો લોગો
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, અમદાવાદમાં રાત્રી કરફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં શુક્રવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે જે શનિવારે અને રવિવારે પણ એજ સમયે લાગુ થશે. અમદાવાદમાં સળંગ શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુની માહિતી તદ્દન ખોટી છે.

Title:શું ખરેખર અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો…?
Fact Check By: Vikas VyasResult: False
