
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ સાથે અભિનેતા સોનુ સૂદ અને તેમની બહેન માલવિકાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા તે સમયનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ સાથે અભિનેતા સોનુ સૂદ અને તેમની બહેન માલવિકાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ એ સમયનો છે. સોનુ સૂદે પણ એવું કહ્યું છે કે, તે હાલમાં કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયા વિના તેમના માનવતાના કાર્યો કરતા રહેશે. સોશિયલ મીડિયા પર સોનુ સૂદની બહેન માલવિકાએ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી એ સમયનો ફોટો લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shakti Patel નામના ફેસબુક પેજ દ્વારા 10 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લાખો મજુરો અને જરૂરીયાત મંદ લોકોના તારણહાર એવા સોનુ સૂદ કોંગ્રેસમા જોડાયા. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા તે સમયનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને iamgujarat.com દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર 10 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ છે.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની માલવિકા સૂદના ઘરે ગયા હતા અને ત્યાંજ તેમને કોંગ્રેસ પાર્ટીનું સદસ્યતા પદ આપ્યું હતું. આ સમયે અભિનેતા સોનુ સૂદ પણ હાજર હતો.

Archive
આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gujratkhabar.in | garavigujarat.biz
ઉપરોક્ત તમામ સમાચારોમાં અમને ક્યાંય પણ અભિનેતા સોનુ સૂદ કોંગ્રેસમાં જોડાયા હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
અમારી વધુ તપાસમાં અમને સોનુ સૂદ દ્વારા 10 જાન્યુઆરી, 2022 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર તેની બહેન માલવિકાને રાજકીય કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ સોનુ સૂદ દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેઓ પોતે કોઈ પણ પક્ષ સાથે જોડાયા વિના તેમના સમાજ સેવાના કાર્યો કરતા રહેશે.
પંજાબ કોંગ્રેસ દ્વારા પણ 10 જાન્યુઆરીના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને માલવિકા સૂદનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. પંજાબ કોંગ્રેસે પણ એ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે, સોનુ સૂદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.
ફેક્ટ ક્રેસેન્ડોએ પંજાબના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “હમણાં જ માલવિકા સૂદ ઔપચારિક રીતે કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ અભિનેતા સોનુ સૂદ હજુ સુધી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુ સાથે અભિનેતા સોનુ સૂદ અને તેમની બહેન માલવિકાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અભિનેતા સોનુ સૂદની બહેન માલવિકા જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ એ સમયનો છે. સોનુ સૂદે પણ એવું કહ્યું છે કે, તે હાલમાં કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયા વિના તેમના માનવતાના કાર્યો કરતા રહેશે.
