પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. લોકોએ ચૂંટણી અધિકારીની કારમાં રાખેલા રિઝર્વ ઈવીએમ તોડી નાખ્યા હતા.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો ઈવીએમ મશીન તોડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બીજેપી નેતાની કારમાંથી EVM મશીન મળ્યા બાદ સ્થાનિક લોકોએ તેને તોળી પાડવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
વિજય સિંહ ઝાલા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બીજેપી નેતાની કારમાંથી EVM મશીન મળ્યા બાદ સ્થાનિક લોકોએ તેને તોળી પાડવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અમને દૈનિક ભાસ્કર ની વેબસાઈટ પર 10 મેના રોજ પ્રકાશિત અહેવાલ મળ્યો. તેમાં વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ મુકવામાં આવ્યો હતો. જેમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, “વીડિયો કર્ણાટકના વિજયપુરા જિલ્લાનો છે, જ્યાં કેટલાક લોકોએ બસવાના બાગેવાડી તાલુકામાં EVM અને VVPAT મશીનો તોડી નાખ્યા હતા.”

તેમજ ન્યુઝ 18 દ્વારા તેમના ઓફિશિયલ યુટ્યુબ પર આ વીડિયો શેર કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે આ અંગે ગૂગલ પર વધુ સર્ચ કરતા અમને ડેક્કન ક્રોનિકલની વેબસાઈટ પર 10 મેના રોજ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આપેલી માહિતી અનુસાર, “વિજયપુરા જિલ્લાના મસાબીનાલા ગામમાં કેટલાક ગ્રામવાસીઓએ સેક્ટર ઓફિસરના વાહનને રોક્યુ હતુ. કર્ણાટકમાં મતદાન દરમિયાન રિઝર્વમાં રાખવામાં આવેલા ઈવીએમને નુકસાન પહોંચાડ્યું. આ ઘટના ત્યારે બની જ્યારે અનામત ઈવીએમને બસવાના બાગેવાડી વિધાનસભા ક્ષેત્રમાં લઈ જવામાં આવી રહ્યું હતું. આ અહેવાલમાં અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગ્રામીણો એવુ માની રહ્યા હતા કે ઈવીએમનો દૂરઉપયોગ થઈ રહ્યો છે અને તેને નુકસાન થયું છે. વિજયપુરા જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ ઘટનાના સંબંધમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.”

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશનરના ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલુ એક ટ્વિટ પણ મળી આવ્યુ હતું, જે મુજબ “આ ઘટના મસાબીનાલા ગામમાં બની હતી જ્યાં ગ્રામજનોએ સેક્ટર ઓફિસરના વાહન પર હુમલો કર્યો હતો અને રિઝર્વ ઈવીએમ મશીનોને નુકસાન પહોંચાડ્યું હતું. ગ્રામજનોએ બે કંટ્રોલ યુનિટ, બે બેલેટ યુનિટ અને ત્રણ VVPATને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે.”
આ સિવાય વિજયપુરા ડેપ્યુટી કમિશનરના ટ્વિટર હેન્ડલ પરથી પણ વાયરલ વીડિયોને લઈને ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના નેતાની કારમાં ઈવીએમ હોવાના દાવાને નકારવામાં આવ્યો છે. ટ્વિટમાં માહિતી આપવામાં આવી હતી કે, “આ દાવો ભ્રામક છે. હકીકતમાં, ગ્રામજનોએ સેક્ટર ઓફિસરના વાહનમાં લઈ જવામાં આવતા રિઝર્વ ઈવીએમને રોકીને નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કર્ણાટકમાં બીજેપી નેતાની કારમાંથી ઈવીએમ મશીન મળ્યાનો દાવો ખોટો છે. સેક્ટર ઓફિસરના વાહનમાં લઈ જવામાં આવતા રિઝર્વ ઈવીએમને રોકીને નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: કર્ણાટકમાં ઈવીએમ મશીન તોડતા લોકોના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
