
પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમ છે. તેમજ આ વખતે સૌથી મહત્વની વાત છે કે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પરંપરાગત ભવાનીપુર સીટ છોડી અને નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ હતુ. હાલ નંદીગ્રામ વિધાનસભામાં વોટિંગ થઈ ગયુ છે જે બાદ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “મમતા બેનર્જીએ નંદીગ્રામ સીટ પર હાર ભાળી જતા હવે ભવાનીપુર સીટ પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ છે કારણ કે, ત્યાંથી ટીએમસીએ કોઈ ઉમેદવાર નથી ઉભો રાખ્યો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કોલકતાની ભવાનીપુર વિધાનસભા પર ટીએમસીના શોભનદેબ ચટોપાધ્યાય ચૂંટણી લડવાના છે. મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા પરથી ચૂંટણી નથી લડવાના.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
चाणक्य शिष्य मयूर નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે કારણ કે TMCએ કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
ભવાનીપુર મમતા બેનર્જીની પરંપરાગત સીટ છે. તે બે ટર્મથી આ જ સીટ પરથી ચૂંટણી લડી અને જીતતી આવે છે. પરંતુ આ વખતે તેમણે આ સીટને છોડી ફક્ત એક જ સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ન્યુઝ નેશન દ્વારા 4 માર્ચ 2021ના પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મમતા બેનર્જી તેમની પરંપરાગત સીટ ભવાનીપુરથી ચૂંટણી નહિં લડે. પરંતુ નંદીગ્રામ વિધાનસભાથી ચૂંટણી લડશે.”
તેમજ 5 માર્ચ 2021ના મમતા બેનર્જી દ્વારા પશ્ચિમ બંગાળ વિધાનસભા માટે 291 ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, આ લિસ્ટમાં તેમણે 28 ચાલુ ધારાસભ્યને ડ્રોપ કર્યા હતા અને 46 નવા ધારાસભ્યને ઉતાર્યા હતા. તેમજ તેમનાસાથે જોડાયેલી પાર્ટીના 3 ઉમેદવારોના નામ જાહેર કરેલા હતા. ધ પ્રિન્ટ દ્વારા પ્રકાશિત આ અહેવાલમાં તમે આ સંપૂર્ણ માહિતી વાંચી શકો છો.
તેમજ ANIના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યુ હતુ કે, ભવાનીપુર સીટ પરથી ટીએમસીના શોભનદેબ ચટોપાધ્યાય ચૂંટણી લડશે.”
ત્યારબાદ અમે ટીએમસીની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી અને તેમાં અમને વર્ષ 2021ના પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારની લીસ્ટ જાહેર કરવામાં આવેલુ તે પ્રાપ્ત થયુ હતુ. જેમાં ભવાનીપુર પર સીટ પરથી ટીએમસીના શોભનદેબ ચટોપાધ્યાયનું નામ જાહેર કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
AITC-Candidate-List-2021-3કોણ છે શોભનદેબ ચટોપાધ્યાય.?
શોભનદેબ ચટોપાધ્યાયએ મમતાના ખૂબ જ અંગત અને ટીએમસીની સ્થાપનાથી તેમની સાથે જોડાયેલા છે, તે પહેલીવાર વર્ષ 1998માં ટીએમસીના ઉમેદવાર બન્યા હતા. તે મમતા કેબીનેટમાં ઉર્જા મંત્રાલય સંભાળે છે. શોભનદેબ ચટોપાધ્યાયની રાજનૈતિક પૂંજી તેમની ઈમાનદાર છબી છે. કોલકતામાં તેમની છબી જેનટલમેનની છે. મમતા બેનર્જીએ ભવાનીપુરથી તેમના ઉત્તરાધિકારી તરીકે બંગાળી બ્રાહ્મણ પર દાવ લગાવ્યો છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કોલકતાની ભવાનીપુર વિધાનસભા પર ટીએમસીના શોભનદેબ ચટોપાધ્યાય ચૂંટણી લડવાના છે. મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા પરથી ચૂંટણી નથી લડવાના.

Title:શું ખરેખર મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે કારણ કે TMCએ કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો…?
Fact Check By: Yogesh KariaResult: False
